ભાવનગર ચૂંટણીમાં તંત્રની ‘સ્ટ્રાઈક’: મતદાન મથકની 200 મીટરમાં મંડપ બાંધવા પર પ્રતિબંધ, પરવાનગી લેવી ફરજિયાત
-
મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ.
-
ઉમેદવારોએ મંડપ કે માંડવા નાખવા માટે સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી લેવી અનિવાર્ય.
-
મંડપમાં માત્ર એક ટેબલ અને એક ખુરશીની મંજૂરી; આસપાસ કોઈ પણ પ્રકારની આડશ લગાવી શકાશે નહીં
ભાવનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને નિર્વિવાદિત રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર પૂરેપૂરી સજ્જતા સાથે એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મતદાન મથકોની આસપાસ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
નવા નિયમો મુજબ, મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ ઉમેદવાર કે રાજકીય પક્ષ મંજૂરી વગર મંડપ બાંધી શકશે નહીં. જો મંડપ બાંધવો હોય તો સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી લેવી ફરજિયાત છે અને તેની જાણ ચૂંટણી અધિકારીને કરવાની રહેશે. મંડપના કદ અને સુવિધા પર પણ કાતર ફેરવવામાં આવી છે; ઉમેદવારો માત્ર એક ટેબલ અને એક ખુરશી રાખી શકશે. મંડપની ફરતે કંતાન, પછેડી કે કોઈ પણ પ્રકારની આડશ લગાવવાની મનાઈ છે. તાપથી બચવા માટે માત્ર છત્રી કે તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે.