જૂના સિક્કા વેચવાના નામે વૃદ્ધ સાથે ઠગાઈ
-
સિહોરના રાજપરા ખોડિયાર ગામે બની ઘટના
-
રજિસ્ટ્રેશન અને પ્રોસેસિંગ ફીના નામે ખંખેર્યા
-
મહિલા સહિતની ઠગ ટોળકી દ્વારા કારસ્તાન
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામે રહેતા અને પોસ્ટ ઓફિસના 70 વર્ષીય નિવૃત્ત કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી એક અત્યંત ગંભીર સાયબર છેતરપિંડીની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર જૂના સિક્કા ઊંચી કિંમતે વેચવાની લાલચામણી જાહેરાતો જોઈને સાયબર ઠગોની જાળમાં ફસાયેલા આ વૃદ્ધ પાસેથી એક મહિલા સહિતની ઠગ ટોળકીએ કટકે-કટકે કુલ 23 લાખ રૂપિયાથી વધુની માતબર રકમ પડાવી લીધી છે.
ઘટનાની વિગતો મુજબ ડિસેમ્બર 2022માં ફેસબુક રીલ્સ જોતી વખતે જૂના સિક્કા ખરીદ-વેચાણની જાહેરાત જોઈને વૃદ્ધે સંપર્ક કર્યો હતો, જ્યાં સવિતા નામની મહિલાએ વાતચીત કરીને સિક્કાના 60 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. શરૂઆતમાં માત્ર રજિસ્ટ્રેશન ફી પેટે 500 રૂપિયા મંગાવ્યા બાદ આ ઠગ ટોળકીએ અસલી જાળ ફેલાવી હતી.
સવિતા ઉપરાંત અમનકુમાર અને પંકજકુમાર ભદોરિયા નામના શખ્સોએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કટકે-કટકે કુલ 19 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આટલું ઓછું હોય તેમ ટોળકીના અન્ય સાગરીતો પૂજાબેન અને રાજ સાનીએ પણ મેદાનમાં આવીને સિક્કાની કિંમત 1 કરોડ રૂપિયા અપાવવાની લાલચ આપી હતી અને વધુ 4,79,580 રૂપિયા અલગથી ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ પ્રકારે કુલ 23 લાખથી વધુની રકમ પડાવી લીધા બાદ પણ જ્યારે ખાતામાં એક પણ રૂપિયો જમા ન થયો અને સામેવાળા પક્ષનો સંપર્ક તૂટી ગયો ત્યારે વૃદ્ધને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચીને આ સમગ્ર બાબતની લેખિત ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે ભોગ બનનાર વૃદ્ધની ફરિયાદના આધારે BNS એક્ટ અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લાલચ આપીને છેતરતી આ કુખ્યાત ઠગ ટોળકીના સભ્યોને ઝડપી પાડવા માટે પોલીસે પોતાના ટેકનિકલ સોર્સ અને બાતમીદારો દ્વારા તપાસના ચક્રો ખૂબ જ ઝડપથી ગતિમાન કર્યા છે.
સાયબર અપરાધ અને ડિજિટલ જાગૃત્તિ
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર દેખાતી અતિશય આકર્ષક અને લાખો રૂપિયાની કમાણી કરાવી આપતી નકલી જાહેરાતોથી હંમેશાં સાવધ રહેવું અનિવાર્ય છે. સાયબર ફ્રોડનો ભિકારી બનવાથી બચવા માટે અજાણ્યા લોકો સાથે ઓનલાઈન નાણાકીય વ્યવહારો ક્યારેય ન કરવા જોઈએ અને શંકાસ્પદ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક સાધવો જોઈએ.