જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ વિરુદ્ધ એટ્રોસિટી: જાતિસૂચક અપમાન બદલ ગુનો નોંધાયો
- ‘આ લોકો પટેલ નથી અન્ય જ્ઞાતિના છે’ કહી ગાળો ભાંડી હોવાનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ
- પટેલ કેળવણી મંડળના વિવાદમાં તેલ રેડ્યું; ઉશ્કેરણીજનક શબ્દો બદલ પોલીસની કડક કાર્યવાહી
- ઉપવાસ પર ઉતરેલા વાલીઓ વિશે ભદ્દી ટિપ્પણી કરતા નોંધાઈ ફરિયાદ, એ-ડિવિઝન પોલીસ મેદાને
જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને વાલીઓ વચ્ચેના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. મંડળના ટ્રસ્ટી કાંતિલાલ ફળદુના પુત્ર અને શહેરના જાણીતા બિલ્ડર ચેતન ફળદુ વિરુદ્ધ અનુસૂચિત જાતિના અપમાન બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં ચેતન ફળદુએ કરેલી ઉશ્કેરણીજનક અને જ્ઞાતિ વિરુદ્ધની ટિપ્પણીને પગલે જૂનાગઢ પોલીસના એ-ડિવિઝન મથકે ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની વિગતો મુજબ, પટેલ કેળવણી મંડળના વિવાદ દરમિયાન થાણાપીપળી ગામના કેટલાક વાલીઓ ઉપવાસ પર ઉતરી આંદોલન કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઓડિયો-વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં ચેતન ફળદુ અન્ય એક વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. જ્યારે સામેની વ્યક્તિએ સમાધાનની વાત કરી, ત્યારે ઉશ્કેરાયેલા ચેતન ફળદુએ ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. તેમણે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "આ લોકો પટેલ જ્ઞાતિના નથી પરંતુ અન્ય જ્ઞાતિના છે." આ વાતચીત દરમિયાન તેમણે જે શબ્દોનો પ્રયોગ કર્યો તેનાથી સામાજિક ગરિમા હણાઈ હોવાના આક્ષેપ થયા છે.
આ ઓડિયો ક્લિપ જાહેર થતા જ અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બિલખા રોડ પર રહેતા અને જાગૃત નાગરિક સંજયભાઈ મૂળજીભાઈ પરમારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ચેતન ફળદુએ જ્ઞાતિ વિશે ગેરબંધારણીય અને અપમાનજનક શબ્દ પ્રયોગ કર્યો છે. આરોપીનો હેતુ માત્ર અપમાન કરવાનો જ નહીં, પરંતુ સમાજમાં વિવિધ જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી ફેલાવવાનો રહ્યો હોવાનું પણ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
ચેતન ફળદુએ જે પ્રકારે નમ્રતાની તમામ મર્યાદાઓ ઓળંગીને વાણીવિલાસ કર્યો, તેના ઘેરા પ્રત્યાઘાતો સામાજિક ક્ષેત્રે પડ્યા છે. ખાસ કરીને બિલ્ડર લોબી અને કેળવણી મંડળ સાથે જોડાયેલા હોવાથી આ વિવાદ વધુ ગંભીર બન્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ક્લિપને પુરાવા તરીકે ધ્યાને લેવામાં આવી છે અને આરોપી સામે જાતિસૂચક અપમાન તેમજ ભય ફેલાવવા જેવી ગંભીર કલમો હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલમાં આ કેસની ઊંડાણપૂર્વક તપાસ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ અને એસ.સી./એસ.ટી. સેલ દ્વારા કરવામાં આવી રહી છે. સામાજિક અગ્રણીઓ આ ઘટનાને સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. બીજી તરફ, કેળવણી મંડળના વિવાદમાં આ નવા કેસને કારણે હવે ટ્રસ્ટીઓની મુશ્કેલીમાં પણ વધારો થવાની સંભાવના છે. પોલીસે ઓડિયો ક્લિપની સત્યતા તપાસવા માટે તેને એફએસએલમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.