Loading Please Wait !!!
"અમરેલીમાં કેજરીવાલનો હૂંકાર: 'જે ભાજપને 40 સીટ આપી એ જ તમને દંડા મારે છે', AAPની સરકાર બનતા જ મહિલાઓને ₹1000ની ગેરંટી"

  • સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો - અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગજવ્યું અમરેલી
  • પંજાબના CM ભગવંત માન સાથે 4 દિવસીય ગુજરાત પ્રવાસે - કોંગ્રેસ-ભાજપના ગઢમાં ગાબડું પાડવા AAP તૈયાર
  • સૌરાષ્ટ્રભરમાંથી કાર્યકરો ઉમટી પડ્યા - માર્કેટિંગ યાર્ડમાં જનમેદની વચ્ચે કેજરીવાલે ભાજપને લીધું આડેહાથ

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. આ સભા દ્વારા AAPએ સૌરાષ્ટ્રમાં પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. કેજરીવાલે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જનતાને પરિવર્તન લાવવા હાકલ કરી હતી.

"ભાજપને પ્રેમ આપ્યો, બદલામાં દંડા મળ્યા" સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણો પર ભાર મૂકતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, "સૌરાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 48 બેઠકો છે, જેમાંથી તમે ભાજપને 40 બેઠકો આપીને અભૂતપૂર્વ પ્રેમ દર્શાવ્યો છે. પરંતુ આટલી મોટી જીત આપ્યા પછી ભાજપે તમને શું આપ્યું? જે જનતાએ તેમને સત્તા સોંપી, આજે એ જ ભાજપ જનતા પર દંડા ચલાવી રહ્યો છે." તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સત્તાના નશામાં સામાન્ય માણસની તકલીફો ભૂલી ગયું છે.

મહિલાઓ માટે ₹1000 ની મોટી ગેરંટી કેજરીવાલે ફરી એકવાર 'ગેરંટી કાર્ડ' રમતા ગુજરાતની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે વચન આપ્યું હતું કે, "જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો રાજ્યની દરેક પુખ્ત વયની મહિલાના બેંક ખાતામાં દર મહિને ₹1000 સીધા જમા કરાવવામાં આવશે." આ જાહેરાત દ્વારા AAPએ મોંઘવારીથી પીડાતા મધ્યમ અને ગરીબ વર્ગની મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર નજર 24 માર્ચથી શરૂ થયેલા ચાર દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન કેજરીવાલ અને ભગવંત માન સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જઈ રહ્યા છે. અમરેલીની આ સભામાં સૌરાષ્ટ્રભરમાંથી AAPના હોદ્દેદારો અને હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. રાજકીય વિશ્લેષકો માને છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP ભાજપ અને કોંગ્રેસ બંને માટે મોટો પડકાર બની શકે છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ખેડૂતો અને મહિલાઓના પ્રશ્નો મુખ્ય છે.