સુરતમાં ભાજપના નેતાઓને જનતાએ ધોઈ નાખ્યા: પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સામે કાળા પાણીની ડોલ ધરી રહીશોનો આક્રોશ!
- "શરમ આવે છે? આ વિસ્તાર ભૂલી જજો, વોટ નહીં મળે" - રાંદેરમાં પ્રચાર કરવા નીકળેલા રાજન પટેલને લોકોએ ઘેર્યા
- 20 વર્ષનો રોષ ફાટી નીકળ્યો - રાંદેર ઝંડા ચોકમાં મહિલાઓ અને વૃદ્ધોએ ભાજપના નેતાઓને સવાલોના મારે લીધા
- ગંદા પાણીની ડોલ જોઈ નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા - વીડિયો ઉતારતા અટકાવવા મુદ્દે કાર્યકરો અને જનતા વચ્ચે તીખી તકરાર
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચાર શરૂ થતાની સાથે જ સુરતમાં શાસક પક્ષ ભાજપના નેતાઓ માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. રવિવારે સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા રાજન પટેલ જ્યારે રાંદેર વિસ્તારમાં જનસંપર્ક માટે નીકળ્યા, ત્યારે તેમને જનતાના અભૂતપૂર્વ રોષનો સામનો કરવો પડ્યો હતો. ૨૦ વર્ષથી વણઉકેલાયેલા પ્રશ્નોથી કંટાળેલા રહીશોએ નેતાઓને ઘેરી લીધા હતા અને કાળા પાણીની ડોલ બતાવીને પૂછ્યું હતું કે, "શું તમે આ પાણી પી શકો છો?"
રાંદેરના ઝંડા ચોક વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા પહોંચેલા રાજન પટેલ અને તેમના કાર્યકર્તાઓને લોકોએ રસ્તામાં જ અટકાવી દીધા હતા. લોકોનો આક્ષેપ હતો કે કરોડો રૂપિયાના બજેટની વાતો કરનારા નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. જ્યારે રહીશોએ રસ્તા અને પીવાના ગંદા પાણીની ફરિયાદ કરી, ત્યારે નેતાઓએ આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોષે ભરાયેલી જનતાએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આવા પોલા વાયદાઓ અમે છેલ્લા બે દાયકાથી સાંભળતા આવ્યા છીએ, હવે અમને કામ જોઈએ છે.
વિરોધનું સૌથી ઉગ્ર દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે એક સ્થાનિક રહીશ હાથમાં અત્યંત દુર્ગંધ મારતા કાળા પાણીની ડોલ લઈને રાજન પટેલની બિલકુલ સામે આવી પહોંચ્યા હતા. રહીશોએ આક્રોશ સાથે સવાલ કર્યો હતો કે, કરોડોના વિકાસના દાવાઓ વચ્ચે જનતાને પીવાનું શુદ્ધ પાણી પણ કેમ મળતું નથી? આ સ્થિતિ જોઈને ભાજપના કાર્યકરો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ દરમિયાન જ્યારે કોઈએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે કાર્યકરોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી મામલો વધુ બિચક્યો હતો અને લોકોએ કહ્યું હતું કે, "તમારી પોલ ખુલી રહી છે એટલે ડરો છો?"
આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, ગંદા પાણીને કારણે ઘરે-ઘરે બીમારીઓ ફેલાઈ રહી છે અને રસ્તાઓની હાલત બિસ્માર છે, તેથી આ વખતે આ વિસ્તારમાંથી વોટની આશા રાખતા નહીં. લોકોએ નેતાઓને મોઢામોઢ કહી દીધું હતું કે, "આ એરિયાને હવે તમે ભૂલી જજો."
ઉલ્લેખનીય છે કે, રાજન પટેલે તેમના કાર્યકાળ દરમિયાન સુરત માટે ₹10,593 કરોડનું જંગી બજેટ મંજૂર કર્યું હતું. જોકે, તેમના જ મતવિસ્તારમાં પાયાની સુવિધાઓનો આટલો અભાવ જોઈને હવે લોકોમાં ભારે નારાજગી છે. ૨૦ વર્ષના શાસન પછી પણ જો જનતાને ગંદા પાણીની ડોલ લઈને રસ્તા પર ઉતરવું પડતું હોય, તો તે વિકાસના દાવાઓ પર મોટા સવાલો ઉભા કરે છે. ચૂંટણીના પ્રારંભે જ થયેલો આ વિરોધ આગામી દિવસોમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.