Loading Please Wait !!!
રાજ્યમાં શુદ્ધતા નામે એનલોગ પનીરનું વેચાણ

  • 4193થી વધુ એકમોની તપાસ
  • એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ, રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ સહિતનાં એકમોમાં તપાસ
  • 1018 કિગ્રા શંકાસ્પદ પનીરનો નાશ કરાયો: ગંભીર બેદરકારી બદલ 18 એકમોને સીલ કરી રૂપિયા 2.84 લાખનો દંડ કરાયો


સિટી ન્યૂઝ@ગાંધીનગર : રાજ્યમાં શુદ્ધ પનીરના નામે રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ ઝોન સહિતની દુકાનોમાં એનલોગ પનીરનું વેચાણ થતું હોવાની શંકાએ  કુલ ૪,૧૯૩ એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી.જેમાં ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીરનો નાશ કરાયો છે અને ગંભીર બેદરકારી બદલ ૧૮ એકમોને સીલ કરી રૂ ૨.૮૪ લાખનો દંડ કરાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના સમાધાન ન કરવાની નીતિ પર મક્કમ છે. આ પ્રતિબદ્ધતાને દોહરાવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે

સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવને વધુ વેગવાન અને તીવ્ર બનાવવાના આદેશ આપ્યા છે.આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે કોઈ પણ લોકો એનાલોગ પ્રોડક્ટને પનીર તરીકે વેચીને જનતા સાથે છેતરપિંડી કરશે, તેમને છોડવામાં આવશે નહીં. સરકાર ભેળસેળિયા તત્વો સામે શૂન્ય સહનશીલતા (Zero Tolerance)ની નીતિ અપનાવી રહી છે. ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાકીદે નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે, અન્યથા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ઉનાળાની સિઝન પર લોકોની ખાસ નજર
તંત્ર દ્વારા ઉનાળાને ધ્યાને રાખીને શેરડીનો રસ, મેંગો જ્યુસ, આઈસ ગોલા અને તડબૂચ વેચતા એકમો પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા અત્યાર સુધીમાં ૧,૫૭૬ સ્થળોએ તપાસ કરી ૧,૭૦૫ નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે.

એપ્રિલ માસની કામગીરીના મુખ્ય અંશો

- એકમોની તપાસ: મેન્યુફેક્ચરિંગ યુનિટ, રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ સહિત કુલ ૪,૧૯૩ એકમોમાં તપાસ હાથ ધરાઈ.

- પનીરનો જથ્થો જપ્ત: આશરે ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીર/એનાલોગનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો.

- નોટિસ અને નમૂના: નિયમોના ભંગ બદલ ૨૭૦ એકમોને નોટિસ ફટકારાઈ અને ૧૧૮ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા.

- દંડ અને સીલિંગ: ગંભીર બેદરકારી બદલ ૧૮ એકમોને સીલ કરાયા અને મહાનગરપાલિકાઓ દ્વારા કુલ રૂ. ૨.૮૪ લાખથી વધુનો દંડ વસૂલાયો.