Loading Please Wait !!!
અમરેલીના ચાવંડ પાસે જાનની બસ પલટી: લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાતા રહી ગયો, 25 જાનૈયા લોહીલુહાણ!

  • ભાવનગરથી જામનગર પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત - ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ રોડ નીચે ઉતરી ગઈ
  • 30 માર્ચની વહેલી સવારે 'પાર્થ ટ્રાવેલ્સ' ની બસને નડ્યો અકસ્માત - ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
  • લાઠી, બાબરા અને ઢસાની હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર શરૂ - લાઠી પોલીસ ઘટનાસ્થળે તપાસમાં જોતરાઈ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ પાસે આજે વહેલી સવારે એક મોટી કરુણાંતિકા સર્જાતા રહી ગઈ છે. ભાવનગર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને હરખભેર જામનગર પરત ફરી રહેલા પરિવારની બસને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતાં બસ રોડ પરથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી.

વહેલી સવારે મચી ચીસાચીસ જામનગરનો આ પરિવાર 'પાર્થ ટ્રાવેલ્સ' ની બસમાં સવાર હતો. જ્યારે મુસાફરો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક બસ પલટી ખાતા જાનૈયાઓમાં ભારે દેકારો અને ચીસાચીસ મચી ગઈ હતી. બસમાં અંદાજે 40 જેટલા લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

રેસ્ક્યૂ અને પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત 25 જાનૈયાઓને તાત્કાલિક લાઠી, બાબરા અને ઢસા સહિતની નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. લાઠી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો અને ડ્રાઈવર વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.