Loading Please Wait !!!
સુરતમાં ‘પાટીદાર’નો હુંકાર: ‘વારાણસીથી ટિકિટ મળે તો મોદી સામે લડવા પણ તૈયાર’

 

  • સુરતના વોર્ડ નંબર-6માં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભાવેશ ધામેલિયાને મેદાને ઉતાર્યા.

  • ભાવેશ ધામેલિયાએ વારાણસીથી પીએમ મોદી સામે લડવાની અને 2.51 લાખ મત લાવવાની ખુલ્લી ચેલેન્જ આપી.

  • સોશિયલ મીડિયા પર 5 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ભાવેશ યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે.

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે સુરતના રાજકારણમાં એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. સુરતના વોર્ડ નંબર-6 માં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભાવેશ ધામેલિયા ઉર્ફે ‘પાટીદાર’ ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પૂર્વ મેયરના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાવેશ ધામેલિયાએ હિંમતભેર નિવેદન આપતા જણાવ્યું છે કે, "મેયર હોય કે નરેન્દ્ર મોદી, મારે શું ફરક પડે છે? જો AAP મને વારાણસીથી લોકસભાની ટિકિટ આપે તો હું પીએમ મોદી સામે લડવા તૈયાર છું અને જો ત્યાં 2.51 લાખ મત ન લાવું તો રાજનીતિ છોડી દઈશ."

    ભાવેશ ધામેલિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. 2019 થી નાના માણસો સાથે થતા અન્યાય અને સરકારી તંત્રના ભ્રષ્ટાચાર સામે વીડિયો બનાવીને તેઓ લોકપ્રિય થયા છે. તેમણે જણાવ્યું કે એક સમયે લોકો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ છોડીને પણ તેમના વીડિયોની રાહ જોતા હતા. ઉત્તર ગુજરાતથી લઈને બનાસકાંઠા સુધી તેમની મજબૂત ડિજિટલ પકડ છે, જેનો લાભ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળવાની આશા છે.

    વોર્ડ નંબર-6 માં પોતાની ઉમેદવારી અંગે વાત કરતા ભાવેશભાઈએ કહ્યું કે, ઘણા લોકોએ તેમને ડરાવ્યા હતા કે આ તો મેયરનો વોર્ડ છે, પણ તેઓ મક્કમ છે. તેમણે આક્ષેપ કર્યો કે મેયરના પોતાના વોર્ડમાં અનેક સોસાયટીઓ એવી છે જ્યાં છેલ્લા 25 દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળીને આવે છે, છતાં કોઈ તસ્દી લેવા તૈયાર નથી. ગટર, રોડ, રસ્તા અને શિક્ષણ જેવા પાયાના મુદ્દાઓ સાથે તેઓ મેદાને ઉતર્યા છે.

    ભાવેશ ધામેલિયાના મતે અધિકારીઓ બેફામ બન્યા છે અને સામાન્ય જનતાના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. ગોપાલ ઈટાલિયાના કામથી પ્રભાવિત થઈને તેઓ પાર્ટીમાં જોડાયા હતા. હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર મળતા લાખો લાઈક્સ અને વ્યુઝ શું મતદાનના દિવસે વોટમાં પરિવર્તિત થશે? ભાજપના આ મજબૂત કિલ્લામાં એક યુવા ઈન્ફ્લુએન્સર ગાબડું પાડી શકશે કે કેમ, તેના પર સુરત આખાની નજર છે.