Loading Please Wait !!!
કતારગામમાં રાજકીય પક્ષો માટે ‘નો એન્ટ્રી’: 35 વર્ષથી સુવિધા ન મળતા રહીશોએ સોસાયટીના ગેટ પર બેનરો લગાવ્યા

 

  • સુરતના કતારગામ વિસ્તારની દાન ગીગેવ સોસાયટીના રહીશોએ ચૂંટણી પ્રચારના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

  • રહીશોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 35 વર્ષથી મનપાનો વેરો ભરે છે, છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

  • સોસાયટીના ગેટ પર 'વોટ નહીં, વોટ નહીં' ના બેનરો લગાવી રાજકીય પક્ષોને મત માંગવા ન આવવા ચેતવણી અપાઈ છે.

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચારનો શોરગુલ મચ્યો છે, પરંતુ કતારગામ વિસ્તારમાં મતદારોનો મિજાજ અત્યંત તીખો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ્યાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે, ત્યાં કતારગામની દાન ગીગેવ સોસાયટીના રહીશોએ 'વોટ નહીં' ના બેનરો લગાવીને રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી દીધી છે. સોસાયટીના ગેટ પર લાગેલા બેનરો અત્યારે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યા છે.

    સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 35 વર્ષથી નિયમિતપણે મહાનગરપાલિકાનો વેરો ભરે છે. આટલા લાંબા સમયગાળા દરમિયાન તેમણે દરેક ચૂંટણીમાં રાજકીય પક્ષોને ખોબે-ખોબે મતો આપ્યા છે, પરંતુ બદલામાં તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળી નથી. રસ્તા, ગટર કે પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર કે રાજકીય નેતાઓએ તેમની વાત કાને ધરી નથી. આ ઉદાસીનતાથી કંટાળીને રહીશોએ હવે બેનર પર સ્પષ્ટ લખ્યું છે કે, "કોઈ પણ પાર્ટીએ મતની ભીખ માંગવા માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં."

    કતારગામ વિસ્તાર હંમેશાથી ભાજપ અને આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ રહ્યો છે. આ વખતે કોંગ્રેસ પણ પૂરી તાકાત સાથે મેદાનમાં છે, ત્યારે મતદારોની આ અકળ શાંતિ અને સોસાયટીઓ દ્વારા કરવામાં આવતો વિરોધ ઉમેદવારો માટે મુશ્કેલી સર્જી શકે છે. અત્યાર સુધી કતારગામમાં કોઈ મોટો વિરોધ જોવા મળ્યો નહોતો, પરંતુ દાન ગીગેવ સોસાયટીના આ આક્રમક વલણથી હવે અન્ય સોસાયટીઓમાં પણ વિરોધનો વંટોળ ફેલાઈ શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે, છેલ્લી ઘડીએ મતદારોની આ નારાજગી મતદાનની ટકાવારી અને ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે.