Loading Please Wait !!!
વીરપુરમાં હર ઘર તિરંગા અંતર્ગત એક કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ

  • જયેશભાઈ રાદડીયાએ કરાવ્યું તિરંગા યાત્રાનું પ્રસ્થાન
  • વિદ્યાર્થીઓ, શિક્ષકો, નાગરિકો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા; દેશભક્તિના નારાઓથી યાત્રાધામ વીરપુર ગુંજી ઉઠ્યું

સિટી ન્યૂઝ@ગૌરવ ગાજીપરા–વીરપુર

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વીરપુરમાં આશરે એક કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, નાગરિકો તથા શહેરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈ રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી. વીરપુરના જલારામજી વિદ્યાલય ખાતેથી તિરંગા યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રાના પ્રારંભ પૂર્વે રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વીરપુરના રસ્તામાર્ગો અને મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ આશરે એક કિલોમીટર લાંબી યાત્રામાં

શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, નાગરિકો અને આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાતા સમગ્ર વીરપુર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ હોલકર તથા ભારત માતાની વેશભૂષા ધારણ કરીને દેશપ્રેમ, નારીશક્તિ અને શૌર્યનો સંદેશ આપ્યો હતો. યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને જય જવાન, જય કિસાન સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર વીરપુર ગુંજી ઉઠ્યું હતું. તિરંગા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોના ઉત્સાહથી સ્વતંત્રતા પર્વ પૂર્વે વીરપુરમાં રાષ્ટ્રપ્રેમની અનોખી લાગણી જોવા મળી હતી.