રાજકોટની શાળાઓનું સંચાલન SNK ગ્રુપ પાસે યથાવત રાખવા માંગ
- ઈંગ્લીશ મીડીયમ શાળાઓનાં 900થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં !
- વાલીઓની શિક્ષણ સમિતિનાં ચેરમેન અને મેયરને રજૂઆત કરાઈ
સિટી ન્યૂઝ @ રાજકોટ
રાજકોટ મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી ત્રણ મહત્વપૂર્ણ ઇંગ્લિશ મીડીયમ સરકારી શાળાઓના સંચાલન મુદ્દે વિવાદ ઊભો થયો છે. કવિ શ્રી નર્મદ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, રવિન્દ્રનાથ ટાગોર ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ અને ડો. હોમી જહાંગીર ભાભા ઇંગ્લિશ મીડીયમ સ્કૂલનું સફળતાપૂર્વક સંચાલન કરી રહેલા JHP એજ્યુકેશન ફાઉન્ડેશન (TGES, SNK GROUP) પાસેથી સંચાલન પરત લેવાની કે બદલવાની ચર્ચાઓ વહેતી થતાં વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આ નિર્ણયના વિરોધમાં ૨૦૦થી વધુ વાલીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સમક્ષ દોડી ગયા હતા અને ૯૦૦ કરતા વધારે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાવાની દહેશત વ્યક્ત કરી શાળાઓનું સંચાલન SNK ગ્રુપની પાસે જ યથાવત રાખવા રજૂઆત કરી હતી. તેમજ મેયર ડો. નેહલ શુકલને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.
વાલીઓએ ચેરમેનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે આ ૩ શાળાઓમાં મળીને ૯૦૦થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓમાં SNK ગ્રુપ દ્વારા ગુણવત્તાસભર અને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ, શિસ્તબદ્ધ વાતાવરણ તેમજ સુઝેળપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. જો શૈક્ષણિક સત્ર દરમિયાન સંચાલનમાં ફેરફાર કરવામાં આવશે, તો વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિઘ્ન ઊભું થશે અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડશે. હાલ સંચાલન બહુ સારી રીતે ચલાવી રહી છે, જેથી તેમાં કોઈ ફેરફાર કર્યા વિના સંચાલન SNK ગ્રુપ પાસે યથાવત રાખવામાં આવે તે જરૂરી છે.
આ અંગે રજૂઆત કરવા પહોંચેલા વાલી પારુલબેન નવનીતભાઈ માલવીએ જણાવ્યું હતું કે, મારા બાળકો રવિન્દ્રનાથ ટાગોર સ્કૂલમાં ભણે છે. અમારી એક જ માગ છે અત્યારે બાળકોને જે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે તે ચાલુ રહે. SNK ગ્રુપ દ્વારા ખૂબ સારું સંચાલન થાય છે અને ગરીબ-મધ્યમ વર્ગના બાળકો કે જેઓ પ્રાઇવેટ શાળાની ફી ભરી શકતા નથી તેમના ભણતરમાં ઘણો સુધારો આવ્યો છે. ત્યારે શાળાનો સ્ટાફ અને સંચાલન જેગ છે તેમજ રાખવામાં આવે તેવી મારી વિનંતી છે. આ બાબતે શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પૂજાશ ઉપરાંત મેયર ડો. નેહલ શુકલને પણ રજૂઆત કરવામાં આવી છે.અન્ય વાલી દિવ્યેશ શાંતિલાલ પીઠડિયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ દ્વારા JHP ફાઉન્ડેશન (SNK ગ્રુપ) સાથે MOU કરીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. પરંતુ હવે કરાર રદ્દ કરી સરકારી શિક્ષકો મુકાય તેવી શક્યતાને લઈ વાલીઓમાં ચિંતા છે. આ વર્ષે નર્સરીમાં પણ એડમિશન અપાયા નથી, જેથી આખી સિસ્ટમ ખોરવાઈ જવાનો ડર લાગી રહ્યો છે. અમારી એકમાત્ર રજૂઆત છે કે નર્સરીથી ૮ ધોરણ સુધીની શિક્ષણ પેહેલાની જેમ આ જ ગૅનેજમેન્ટ દ્વારા ચાલુ રાખવામાં આવે. ત્રણેય શાળામાં અભ્યાસ કરતા ૯૦૦ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મામને તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની માંગ તેમણે કરી છે.
સમગ્ર મામલે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ જણાવ્યું કે SNK ગ્રુપ ધારા સમયથી સેવા આપી રહ્યું છે. પરંતુ હાલ ગ્રુપના સંચાલક કિરણભાઈ નાહુુરસ્ત તબિયતના કારણો તેમણે ગતવર્ષે જ આ જવાબદારીમાંથી મુક્તિ માંગી હતી. આ પછી પણ તેમણે એક વર્ષ જવાબદારી સંભાળી છે. અને હવે તેઓ આ જવાબદારી સંભાળવા તૈયાર ન હોવાને કારણે આપણે સરકાર પાસેથી અલગ મહેકમ મંજૂર કરાયું છે. તાત્કાલિક ધોરણે નવા શિક્ષકોની ભરતી કરી બાળકોના અભ્યાસમાં કોઇપણ તકલીફ પડે નહીં તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. તેમજ જો SNK ગ્રુપ કે અન્ય કોઈ સારું ગ્રુપ આ શાળાનું સંચાલન કરવા તૈયાર થશે તો તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે.