Loading Please Wait !!!
ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપી જામીનમુક્ત કરતી સેશન્સ કોર્ટ

  • સિક્સિકા દ્વારા પૂર્વ વિદ્યાર્થી સામે નોંધાવેલા
  • બચાવપક્ષે શિક્ષિકા પર જ પ્રેમજાળ અને હનીટ્રેપના આક્ષેપો કર્યા
  • 22 મહિના બાદ ફરિયાદ નોંધાવાની બાબતને કોર્ટે ધ્યાનમાં લીધી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં શિક્ષિકા દ્વારા પોતાના પૂર્વ વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈ વિરુદ્ધ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા તેમજ રૂપિયા અને દાગીના પડાવી લેવાના આક્ષેપો સાથે નોંધાવવામાં આવેલા ચકચારી દુષ્કર્મના કેસમાં ચાર્જશીટ રજૂ થાય તે પહેલાં જ રાજકોટ સેશન્સ કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

ફરિયાદ મુજબ, પૂર્વ વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈએ ફેસબુક મારફતે સંપર્ક કરી લગ્નનું વચન આપ્યું અને વિદેશમાં સાથે રહેવાની લાલચ આપી શિક્ષિકા સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત વિવિધ બહાનાં હેઠળ આશરે છ લાખ રૂપિયા રોકડા તથા

સોનાના દાગીના મેળવી લીધા બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાની જાણ થતાં શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપી ધ્રુવલ દેસાઈ તરફથી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. બચાવપક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી પોતે શિક્ષિકા અને પુખ્ત વયની હોવાથી પોતાનું સારું-નરસું સમજવા સક્ષમ છે. કહેવાતા બનાવના આશરે બે વર્ષ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમજ ફરિયાદીએ લાંબા સમય સુધી કોઈને જાણ કરી નહોતી.

વધુમાં બચાવપક્ષે એવો આક્ષેપ કર્યો હતો કે, શિક્ષિકાએ જ વર્ષો બાદ ફેસબુકના માધ્યમથી પૂર્વ વિદ્યાર્થીનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને બંને વચ્ચે સહમતીથી સંબંધો થયા બાદ આરોપીએ

અન્ય યુવતી સાથે સગાઈ કરતાં તેને બ્લેકમેલ કરવા તથા પૈસા પડાવવાના ઇરાદે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. સરકારી પક્ષે ગંભીર ગુનાની રજૂઆત કરી જામીનનો વિરોધ કર્યો હતો. જોકે,

અદાલતે ફરિયાદમાં દર્શાવેલા બનાવ અને ફરિયાદ વચ્ચે આશરે ૨૨ મહિનાના વિલંબને ધ્યાનમાં લીધો હતો. પુરાવા નોંધાવ્યા વિના ફરિયાદની સત્યતા ચકાસી શકાય તેમ ન હોવાનું તથા કેસના ગુણદોષ અંગે વિગતવાર ચર્ચા કર્યા વિના અદાલતે આરોપીને વધુ સમય જેલમાં રાખવો ન્યાયોચિત ન હોવાનું માની ધ્રુવલ દેસાઈના જામીન મંજૂર કર્યા હતા.

આ કેસમાં આરોપી ધ્રુવલ દેસાઈ વતી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉંઝેર કુરૈશી, યશ વૈષ્ણવ, વિરમ ધારાંગીયા, વિશાલ કૌશિક, ભૂમિકા વંદાની, દિવ્યમ દવે, નેમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા, હીર્લ નિમાવત રોકાયેલા હતા.