Loading Please Wait !!!
સબ રજસ્ટ્રાર કચેરીમાં કચરો, કોંગ્રેસે સફાઈ કરી વિરોધ નોંધાવ્યો

રાજકોટ ઝોન-૩ કચેરી પરિસરમાં સફાઈ કરી તંત્રની કામગીરી સામે સવાલ; સ્વચ્છતાના દાવા પોખલા હોવાનો ડૉ. રાદીપસિંહ જાડેજાનો પ્રહાર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ સબ રજિસ્ટ્રાર કચેરી, રાજકોટ ઝોન-૩ના પરિસરમાં પડેલા કચરાના ઢગલાઓની સફાઈ કરીને સરકારી તંત્રની બેદરકારી સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સ્વચ્છતા તથા વિકાસના દાવા કરે છે, પરંતુ સરકારી કચેરીના પરિસરમાં જ કચરાના ઢગલા જોવા મળતા વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનું સામે આવે છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યને સ્વચ્છતાના પાઠ ભણાવવાનો દાવો કરતી સરકારની પોતાની કચેરીઓના પરિસરમાં કચરાના ઢગલા જોવા મળે તે શરમજનક બાબત છે. ભાજપ સરકાર જાહેરાતો અને સ્વપ્રચારમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન છે. સરકારી તંત્ર પોતાની કચેરીઓ જ સ્વચ્છ ન રાખી શકે તો શહેરની સ્વચ્છતાના દાવા પોખલા સાબિત થાય છે.

તેમણે જણાવ્યું કે કોંગ્રેસે પ્રતિકાત્મક સફાઈ કરીને તંત્રની કામગીરીની વાસ્તવિકતા જનતા સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. સરકારી કચેરીઓ સહિત સમગ્ર શહેરમાં નિયમિત સ્વચ્છતા જળવાય તે માટે જવાબદાર અધિકારીઓએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

કોંગ્રેસે ચેતવણી આપી હતી કે તંત્રની કામગીરી માત્ર કાગળ અને ફોટોશૂટ સુધી સીમિત રહેશે તથા વાસ્તવિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો જનહિતના મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

કાર્યક્રમમાં ડૉ. રાદીપસિંહ જાડેજા ઉપરાંત ગોપાલ અનડકડ, અતુલ રાજાણી, દી.પી. મકવાણા, નીતિન ભઢેરી, આદિત્યસિંહ ગોહિલ, ડી.બી. ગોહિલ, રાજજીત મુંધવા, ભાવેશ વાઘેલા, હિરલ રાઠોડ, દીપુ રવિયા, જયદીપ મથયાત્રા, નરેન્દ્ર પટેલ, રમેશ પુંજા, ઘનશ્યામસિંહ જાડેજા, અહેસાનભાઈ, સલીમ કારિયાણી, ભૂમિ પટેલ અને જયેશ પાટડિયા સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.