રાજકોટના સાગર મુકેશ શેઠે અમદાવાદમાં કરોડોની જમીન, ફોડથી વેચાણ કર્યાનો સોસાયટીનો દાવો !
- સોસાયટીએ અખબારોમાં નોટિસ છપાવી લખ્યું આ જમીન અંગે કોઈપણ પ્રકારના વેચાણ, કરાર અથવા નાણાકીય વ્યવહાર કરવા નહીં
- સોસાયટીએ લેન્ડગ્રેબિંગ અધિનિયમ હેઠળ કલેક્ટરમાં ફરિયાદ નોંધાવી છે: સિવિલ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ કેસો પેન્ડિંગ છે
સિટી ન્યૂઝ@રાજકોટ
અમદાવાદ શહેરના સાબરમતી તાલુકા હેઠળ આવેલી ચાંદલોડીયા સીમની કરોડોની જમીન અંગે મોટો કાનૂની વિવાદ સામે આવ્યો છે. નિલેન્ડ્પાર્ક કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, વર્ષ ૧૯૯૩થી સોસાયટી આ જમીનનો કાયદેસર કબ્જો ધરાવે છે અને વર્ષ ૧૯૯૯માં રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજી સોસાયટી સ્વતંત્ર માલિક બની ચુકી છે.
સોસાયટીના ચેરમેન અંકિત પટેલ અને સેક્રેટરી અરુણ પટેલના જણાવ્યા મુજબ, જમીનના મૂળ માલિકોએ સોસાયટીની તરફેણમાં બાનાખત, કબજા કરાર અને ઇરિવોકેબલ પાવર ઓફ એટર્ની આપી હતી. ત્યારથી લઈને છેલ્લા ૩૩ વર્ષ સુધી સોસાયટીનો શાંત અને પ્રત્યક્ષ કબ્જો રહ્યો છે. જમીન પર ફેન્સિંગ, કંપાઉન્ડ વોલ, ચોકીદારો માટે રૂમ અને વીજ-પાણી જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
આ દરમિયાન જમીનનો સમાવેશ ટી.પી. સ્કીમ નં. ૧૮ અને ૨૮માં થતાં ત્રણ ફાઇનલ પ્લોટ (નં. ૬૫, ૬૧ અને ૭૭) તરીકે કુલ ૭૩૨૭ ચો.મીટર જમીન સોસાયટીના કબ્જામાં આવી છે. સોસાયટીના આક્ષેપ મુજબ, તાજેતરમાં સાગર મુકેશ શેઠ અને કેટલાક મૂળ જમીન માલિકોના વારસદારો વચ્ચે મગંતિયાપણું કરીને ગેરીતે વેચાણ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજ ૬ મે ૨૦૨૧ના રોજ નોંધાયો હતો,
જેમાં મહત્વપૂર્ણ હકીકતો છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. સોસાયટીનો દાવો છે કે આ વેચાણ “શામ, બોગસ અને ગેરકાયદેસર” છે. વિવાદ દરમિયાન ૨૫ જૂન ૨૦૨૧ના રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ જમીન પર કબ્જો જમાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સોસાયટીના ચોકીદારોને ધમકી આપી અને માલસામાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ મામલે સોસાયટીએ લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ કલેક્ટર કચેરીમાં ફરિયાદ નોંધાવી છે, જે હાલ તપાસ હેઠળ છે. સાથે જ સિવિલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પણ વિવિધ કેસો પેન્ડિંગ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ યુ.એલ.સી. કાયદા હેઠળનો હુકમ ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યો હતો અને સરકારની અપિલ પણ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ રેવન્યુ રેકોર્ડમાં પણ ફેરફાર નોંધાયો હતો. છતાં, સોસાયટીના વેચાણ દસ્તાવેજની નોંધ અંગે વિવાદ ચાલુ છે.
સોસાયટીએ જાહેર જનતાને ચેતવણી આપી છે કે આ જમીન અંગે કોઈપણ પ્રકારના વેચાણ, કરાર અથવા નાણાકીય વ્યવહાર કરવા નહીં, કારણ કે વ્યક્તિ આવા વ્યવહારો કરશે તો તે કાયદાકીય રીતે અમાન્ય ગણાશે અને નાણાકીય નુકસાન ભોગવવું પડી શકે છે. આ સમય મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કરોડોની જમીનને લઈને કાનૂની લડત વધુ ગરમાવાની શક્યતા છે.