રાજકોટમાં પિતાએ હથોડાના ઘા ઝીંકી એકના એક પુત્રની હત્યા કરી
- મારા હલકટ, વ્યભિચારી અને ચોરી કરતા પતિએ પુત્રને હથોડા ઝીંકી પતાવી દીધો : માતાની ફરિયાદ
- ભક્તિનગર પોલીસ મથકમાં જઈ " મે પુત્રને હથોડાના ઘા ઝીંકી દીધા છે " કહી અજાણ બની ગયો
સિટી ન્યૂઝ @ રાજકોટ
આહીર ચોક પાસે ન્યુ નહેરૂનગરમાં ૩૩ વર્ષીય રામની તેના પિતા બાબુભાઈ સવસેટાએ હથોડાના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પુત્રને પિતાની ચોરીની ટેવ સામે વાંધો હતો અને આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બનાવ બાદ આરોપી પિતા બાબુભાઈ ભક્તિનગર પોલીસ મથકે પહોંચી ગયા હતા અને ફરજ પરના પીએસો તોરલબેનને "મેં પુત્રને હથોડાના ઘા ઝીંકી દીધા છે" તેમ જણાવ્યુ હતું. પોલીસે તેને અટકાયતમાં લીધો હતો. બનાવની જાણ થતાં ભક્તિનગર પીઆઈ જે.ડી. પરમાર, રાઈટર નિલેશભાઈ ગઢવાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ડિસીપી અને એસીપી સહિતના અધિકારીઓએ સ્થળ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
મૃતક રામ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને ત્રણ બહેનો છે. માતા હંસાબેનના જણાવ્યા મુજબ, તેમના પતિ બાબુભાઈ અવારનવાર ચોરી કરતા હોવાથી રામ તેમને આવી પ્રવૃત્તિ છોડીને સુધરી જવા કહેતો હતો. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.
હંસાબેને પોલીસને જણાવ્યું હતું કે, બાબુભાઈએ ઘરમાં જાડા લોખંડના પાઈપ અને ફુશડા જેવા હથિયારો પણ રાખ્યા હતા. આજે સાંજે બંને વચ્ચે ફરી ઝઘડો થતાં બાબુભાઈએ રામના માથામાં હથોડાના આશરે પ ઘા ઝીંકી દીધા હતા.
મોટા જમાઈ રાજેશ રાણાભાઈ ડાવેરાએ હંસાબેનને બનાવ અંગે જાણ કરી હતી. તેઓ ઘરે પહોંચ્યા ત્યારે રામ બીજા રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તેના માથા સહિતના ભાગોમાંથી લોહી નીકળી રહ્યું હતું, સ્થળ પર હાજર અન્ય જમાઈ વાલજીભાઈ હીરાભાઈ બરબસીયાએ પણ બાબુભાઈ જ રામને માર્યાનું જણાવ્યું હતું.
રામ અગાઉ મોબાઈલની દુકાનમાં કામ કરતો હતો, પરંતુ છેલ્લા ૬ મહિનાથી તેણે કામ છોડી દીધું હતું. બીજી તરફ આરોપી બાબુભાઈ છેલ્લા ૨૬ વર્ષથી કોઈ કામ-ધંધો કરતા ન હોવાનું પણ સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.