Loading Please Wait !!!
એનલોગ પનીર પર પ્રતિબંધથી રાજકોટમાં દરરોજ 40 હજાર લીટર દૂધની માંગ વધી: તંગીના એંધાણ

હોટેલ કેટરિંગ પર રોજ 10.50 લાખ સુધીનો વધારાનો બોજ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂક્યા પછી તેની પ્રથમ અસર દૂધ અને પનીરના બજાર પર દેખાવા માંડી છે. અને બહુ જ ટૂંકા ભવિષ્યમાં દૂધ અને તેની બંદે મોંઘા થવાની સંભાવના પેદા થઈ છે. અત્યાર સુધી મોટા પ્રમાણમાં એનલોગ પનીર વાપરતા હોટેલ, રેસ્ટોરાં, કેટરર્સ અને ફાસ્ટફૂડના ધંધાર્થીઓએ હવે અસલી દૂધમાંથી બનતું પનીર ખરીદવું પડે છે. પરિણામે અસલી પનીરની માગ અચાનક વધી છે અને તેને પહોંચી વળવા માટે જરૂરી દૂધની વધારાની માગ ઊભી થતાં સ્થાનિક બજારોમાં દૂધની તંગી અનુભવાતી હોવાનું પનીર ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે.રાજકોટમાં દરરોજ અંદાજે ૭૧ ટન પનીરનો વપરાશ થાય છે. પનીર ઉદ્યોગોનાં સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતિબંધ પહેલાં આ પૈકી આશરે ૬૦થી ૭૦ ટકા હિસ્સો એનલોગ પનીરનો હતો. એનલોગનો વપરાશ અગાઉ જાહેર કરીને કરી શકાતો હોવાથી હોટેલ, રેસ્ટોરાં, કેટરિંગ અને ફાસ્ટફૂડ ક્ષેત્રમાં તેનું પ્રમાણ ઘણું વધી ગયું હતું. હવે આ જથ્થો અસલી પનીરથી બદલવો પડે તો રાજકોટમાં રોજ વધારાના આશરે ૫.૬ થી ૭ ટન અસલી પનીરની જરૂર પડશે.એક કિલો અસલી પનીર બનાવવા દૂધની ગુણવત્તા અને તેમાં રહેલી ચરબી પ્રમાણે સરેરાશ પથી ૫.૫ લિટર દૂધની જરૂર પડે છે. આ ગણતરી

પ્રમાણે રાજકોટમાં એનલોગ પનીરના સ્થાને અસલી પનીર બનાવવા માટે રોજ વધારાના આશરે ૨૭,૦૦૦થી ૩૬,૫૦૦ લિટર દૂધની જરૂર પડશે. ગાયના દૂધમાંથી પનીરનું ઉત્પાદન પ્રમાણ ઓછું રહે તો જરૂરિયાત ૪૦,૦૦૦ લિટરની નજીક પણ પહોંચી શકે છે. રાજકોટમાં દરરોજ અંદાજે ૮થી ૯ લાખ લિટર દૂધનું પેચાણ અને વપરાશ થાય છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે રાજકોટ ડેરી એકલી શહેરમાં રોજ ૩.૨૫ લાખ લિટરથી વધુ દૂધ વેચે છે. આ ઉપરાંત ખાનગી ડેરીઓ, સ્થાનિક દૂધવિક્રેતાઓ અને પશુપાલકો દ્વારા સીધું વેચાતું દૂધ અલગ છે. એક અહેવાલ મુજબ ખાનગી ડેરીઓનું સંયુક્ત દૂધ-દહીંનું વેચાણ રાજકોટ ડેરી કરતાં લગભગ બમણું છે. કુલ દૂધબજારની સામે પનીર માટેની વધારાની ૩૦થી ૪૦ હજાર લિટરની જરૂરિયાત ટકાવારીમાં નાની જણાય છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ સમગ્ર દૂધ વધારાનું નથી. ઘરવપરાશ, દહીં, છાશ, મીઠાઈ, પેંડા, માવો, ઘી અને અન્ય ડેરી ઉત્પાદનો માટે દૂધનો જથ્થો અગાઉથી વહેંચાયેલા રહે છે. આ સ્થિતિમાં પનીર ઉત્પાદકો તરફથી એકાએક વધેલી ખરીદી બજારનું સંતુલન બગાડી શકે છે. ખાસ કરીને લગ્નસરા, તહેવારો અને ઉનાળામાં દૂધ તથા દહીંની માગ વધી ત્યારે તંગી વધુ તીવ્ર બની શકે છે.

દૂધના છૂટક ભાવ ઉપર પણ દબાણની શક્યતા

અસલી પનીરની માગ વધવાથી પનીર ઉત્પાદકો વધુ ભાવે દૂધ ખરીદવા તૈયાર થાય તો પ્રવાહી દૂધ, મીઠાઈ અને અન્ય ડેરી ઉત્પાદનો બનાવતા વેપારીઓ વચ્ચે ખરીદીની સ્પર્ધા વધશે. તેના કારણે પ્રથમ તબક્કે જથ્થાબંધ દૂધના ભાવ અને ત્યાર પછી છૂટક ભાવ ઉપર દબાણ સર્જાઈ શકે છે. હાલ દૂધના છૂટક ભાવમાં પ્રતિબંધને કારજો જ વધારો થયો હોવાનું સ્થાપિત કરતો સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી. પરંતુ પનીર ઉદ્યોગોનાં સૂત્રો મુજબ વધારાની માગને કારણે દૂધ મેળવવામાં મુશ્કેલી શરૂ થઈ છે. આ સ્થિતિ થોડા દિવસની પુરવઠા-વ્યવસ્થાની સમસ્યા છે કે કાયમી ભાવવધારામાં ફેરવાશે, તેનો આધાર ડેરીઓ માટે પનીર માટે કેટલું વધારાનું દૂધ ઉપલબ્ધ છે તેના ઉપર રહેશે.

અસર માત્ર દૂધ પુરતી મર્યાદિત નહીં રહે

પ્રતિબંધ માત્ર પનીર પૂરતો મર્યાદિત નથી. એનલોગ ચીઝ અને બટર ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. પિઝા, સેન્ડવિચ, બર્ગર, પાવભાજી, દાબેલી અને બેકરી ઉદ્યોગમાં વપરાતી એનલોગ ચીઝ તથા બટરનો જથ્થો અસલી ડેરી ઉત્પાદનો વડે બદલાશે તો દૂધ અને મિલકફેટની માગ વધશે. પનીર માટે જરૂરી વધારાના ૩૦થી ૪૦ હજાર લિટર દૂધમાં ચીઝ અને બટરની વધારાની જરૂરિયાત સામેલ નથી. એટલે પ્રતિબંધની સંપૂર્ણ અસર માત્ર પનીરની વાનગીઓ પૂરતી નહીં રહે. હોટેલની થાલીથી લઈને પિઝા, સેન્ડવિચ, પાવભાજી, મીઠાઈ અને ઘરમાં આવતા દૂધ સુધી તેની ભાવઅસર પહોંચી શકે છે.