Loading Please Wait !!!
નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ કોરીકટ : ખેડૂતો રડશે !

25 વર્ષથી એ જ હાલત, નર્મદાનું પાણી ક્યાં ગાયબ થાય છે ?સ્થિતિ કેટલી ગંભીર કે ખેડૂતોએ પોલીસ પ્રોટેક્શન સાથે પાણી આપવાની માંગ કરીચોમાસા પહેલા જ સંકટ: ખેતી ખતરામાં !

સિટી ન્યૂઝ@મોરબી

મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હોવાના દાવા વચ્ચે દર વર્ષની જેમ આ વર્ષે પણ છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માળિયા (મી) તાલુકાના આશરે આઠ જેટલા ગામોમાંથી પસાર થતી કેનાલ હાલમાં સાવ કોરી કટ પડી છે, જેના કારણે આગોતરું વાવેતર કરનાર અને તેની તૈયારી કરતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

વિશાળનગરના ઉપસરપંચ મુન્નાભાઈ ઉધરેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, "વર્ષ ૨૦૦૧થી આ કેનાલ કાર્યરત કરવામાં આવી છે. પરંતુ છેલ્લા ૨૫ વર્ષનો ઇતિહાસ છે કે જ્યારે ઉનાળાના અંતમાં ખેડૂતોને આગોતરા વાવેતર માટે પાણીની ખરી જરૂર હોય છે, ત્યારે કેનાલ ખાલીખમ હોય છે. જ્યારે ચોમાસું જામી જાય અને વરસાદ પડી જાય, ત્યારપછી કેનાલમાં પાણી છોડાય છે. આનાથી કેનાલ બનાવવાનો મૂળ હેતુ જ માર્યો જાય છે."

સુલતાનપુરના અગ્રણી ભાવેશભાઈ વિડજાના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ઉપરથી પાણી છોડાય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કેનાલના ગેટ ખોલીને તેમજ બકનળીઓ મૂકીને પાણીનો બેફામ ઉપાડ અને વેડફાટ કરવામાં આવે છે. જવાબદાર અધિકારીઓની ઢીલી નીતિને કારણે એક તરફ પાણીનો બગાડ થાય છે અને બીજી તરફ છેવાડાના ગામો સુકાભઠ્ઠ રહે છે.

થોડા દિવસો પહેલા માત્ર ગણતરીના કલાકો પૂરતું ખીરઈ ગામ સુધી પાણી પહોંચ્યું હતું, પરંતુ ત્યાર બાદ કેનાલ ફરીથી કોરી કટ થઈ ગઈ છે. માળિયા બ્રાન્ચ કેનાલના પાણી પર આધારિત સુલતાનપુર, વિશાળનગર, ખીરઈ સહિતના કુલ આઠ ગામોના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

સ્થાનિક ખેડૂત અલ્પેશભાઈ વિડજાએ જણાવ્યું કે, "ઘણા ખેડૂતોએ વરસાદ પહેલા કેનાલના ભરોસે મોંઘા બિયારણ લાવીને આગોતરું વાવેતર કરી લીધું છે, જે હવે પાણી વિના સુકાઈ રહ્યું છે. જ્યારે અન્ય ખેડૂતો ખેતરો ખેડીને પાણીની રાહ જોઈને બેઠા છે."

ખેડૂતોએ તંત્ર સામે સવાલ ઉઠાવતા માંગ કરી છે કે, જે રીતે ખાનગી કંપનીઓને વીજપોલ ઊભા કરવા માટે તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે, તેવી જ રીતે નર્મદા કેનાલ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે. જેથી ઉપરવાસમાં થતી પાણીની ચોરી અટકે અને છેવાડાના ખેડૂતોને તેમના હકનું સિંચાઈનું પાણી મળી શકે.