કોન્ટ્રાક્ટરો સાથે મેયરની વન-ટુ-વન બેઠકમાં કહ્યું ‘કટકીનો ખેલ હવે બંધ’ !
- રાજકોટમાં પારદર્શક તરફ પગલું: કામોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે કચાશ રાખવામાં આવશે નહીં
- રાજકોટમાં મેયર નેહલ શુક્લે કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટ સૂચના આપી કોઈ કટકી કે કમિશનની વાત સહન કરવામાં આવશે નહીં; અન્ય કોઈ માંગે તો જાણ કરો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં શાસન વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે મેયર નેહલ શુક્લે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. છેલ્લા બે દિવસથી તેમણે શહેરના તમામ કોન્ટ્રાક્ટરો સાથે વન-ટુ-વન બેઠક કરી હતી અને સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ પ્રકારની કટકી કે કમિશનની વાત સહન કરવામાં આવશે નહીં.
મેયરે કોન્ટ્રાક્ટરોને સીધી ચેતવણી આપી હતી કે હવે સેટિંગનો યુગ પૂર્ણ થયો છે અને આગામી અઢી વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાનું રહેશે. રાજકોટના રોડ-રસ્તા, ડ્રેનેજ સફાઈ, ગંદાપાણીની સમસ્યાઓ સહિતના તમામ કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે કચાશ રાખવામાં આવશે
નહીં.સૂત્રોના જણાવ્યા મુજબ, મેયરે કોન્ટ્રાક્ટરોને રૂબરૂ બોલાવીને સ્પષ્ટ કરી દીધું છે કે હવે કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા કમિશન પ્રથા સહન કરવામાં આવશે નહીં અને સંપૂર્ણ પારદર્શકતા સાથે કામ કરવાનું રહેશે.
આ ઉપરાંત, મહાપલિકાના સ્ટાફમાં પણ ટૂંક સમયમાં મોટા પાયે ફેરફારો થવાના એંધાણ છે. કામચોર
અಧಿಕારીઓની બદલી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ, તમામ ટેન્ડર પ્રક્રિયાઓ પારદર્શક રીતે થાય તે માટે પણ નવી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજકોટમાં આ પગલાંથી શાસન વધુ જવાબદાર અને પારદર્શક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.