રસ્તાઓ પર યમદૂતોનો પડાવ
- બસ કારની ટક્કર | મહારાષ્ટ્રમાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત: 6નાં મોત
સિટી ન્યૂઝ@મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના અમલનેર-ધુલ્રે રોડ પર આજે મંગળવારે (૯ June ૨૦૨૬) સવારે એક અત્યંત કાળજું કંપાવનારો ત્રિપલ અકસ્માત સર્જાયો છે. હોટલ વૃંદાવન અને મંગરૂલ ગામ નજીક એસટી (ST) બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ગુજરાતી પરિવારના ૪ સભ્યો અને બાઈકચાલકો સહિત કુલ ૬ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. સગાઈના મંગલ પ્રસંગે જઈ રહેલા પરિવારને કાળ આંબી જતાં પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર, એમએસઆરટીસીની ST બસ અને એક બાઈક અમલનેરથી ધુલે તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ધુલે તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કારે સામેથી આવતી એસટી બસ અને બાઈકને એટલી જોરદાર ટક્કર મારી હતી કે કાર અને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર નંદલાલ ગોપાલ મહાજન, સુરેશ વિક્રમ મહાજન, અનિતા સુરેશ મહાજન અને નિર્મળા નંદલાલ મહાજનના પણ કરુણ મોત થયા છે. આ ગુજરાતી પરિવાર અમલનેર ખાતે એક સગાઈ સમારોહમાં ખુશી-ખુશી ભાગ લેવા જઈ રહ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારના લોખંડના કાટમાળ વચ્ચે એક માસૂમ બાળક ફસાઈ ગયું હતું, જેને સ્થાનિકો અને પોલીસે ભારે જહેમત બાદ સુરક્ષિત અને જીવતું બહાર કાઢી લીધું હતું. આ સિવાય એસટી બસમાં સવાર દીપક દિલીપ પાટીલ નામના એક મુસાફરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તમામ ૬ મૂર્તદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.