દિલ્હી હોટલ આગ દુર્ઘટના: લાયસન્સ માલિકના નહીં પણ કર્મચારીના નામે હોવાનો ખુલાસો
- ૨૧ લોકોના મોત બાદ તપાસમાં મોટો ઘટસ્ફોટ, હોટલ માલિક અને એકાઉન્ટન્ટની ધરપકડ
- આગ લાગ્યા બાદ એકાઉન્ટન્ટ મેટ્રોમાં ફરતો રહ્યો, તમામ દસ્તાવેજો બળી ગયાનો કર્યો દાવો
- ફાયર સેફ્ટીના નિયમોની સરેઆમ અવગણના, હોટલ માલિકે એકાઉન્ટન્ટના નામે મેળવ્યું હતું લાયસન્સ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દિલ્હીના માલવીય નગર સ્થિત 'ફ્લોરિશ સ્ટે' હોટલમાં લાગેલી ભીષણ આગમાં ૨૧ લોકોના મોત બાદ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હોટલનું લાયસન્સ માલિક લવકેશ બજાજના નામે નહીં, પરંતુ તેના એકાઉન્ટન્ટ જય મિશ્રાના નામે બનાવવામાં આવ્યું હતું. આ હોટલ પાસે માત્ર ૬ રૂમનું 'બેડ એન્ડ બ્રેકફાસ્ટ' લાયસન્સ હોવા છતાં ત્યાં ગેરકાયદેસર રીતે ૨૫ રૂમ ચલાવવામાં આવી રહ્યા હતા. પોલીસે હોટલ માલિક અને એકાઉન્ટન્ટ બંનેની ધરપકડ કરી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે એકાઉન્ટન્ટ જય મિશ્રા છેલ્લા ૧૦ વર્ષથી હોટલનો રોજિંદો કારભાર અને સ્ટાફની ડ્યુટી સંભાળતો હતો. દુર્ઘટનાના દિવસે તે સ્થળ પર પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ધરપકડના ડરથી મેટ્રોમાં આખા શહેરમાં ફરતો રહ્યો હતો. પોલીસ જ્યારે દસ્તાવેજો અને લાઇસન્સિંગ કાગળો વિશે પૂછપરછ કરી ત્યારે મિશ્રાએ દાવો કર્યો હતો કે તમામ રેકોર્ડ આગમાં બળીને ખાખ થઈ ગયા છે. જોકે, પોલીસ હવે ઓનલાઈન પોર્ટલ અને સરકારી એજન્સીઓ પાસેથી માહિતી એકત્રિત કરી લાઇસન્સ પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ અને જવાબદારી નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ દુર્ઘટનામાં ૨૧ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જેમાં ૧૧ વિદેશી અને ૧૦ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આગ લાગવાનું મુખ્ય કારણ ઇમારતમાં વેન્ટિલેશનનો અભાવ, માત્ર એક જ એક્ઝિટ વે, ફાયર એલાર્મ-સ્પ્રિંકલર સિસ્ટમની નિષ્ફળતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવેલા એલપીજી સિલિન્ડરો હોવાનું સામે આવ્યું છે. ઇમારત 'ચિમની'ની જેમ ધુમાડાથી ભરાઈ જતાં મહેમાનોને બહાર નીકળવાનો કોઈ મોકો મળ્યો ન હતો. પોલીસ હવે આ કેસમાં જવાબદાર તમામ તત્વો અને અધિકારીઓની મિલીભગતની દિશામાં તપાસ કરી રહી છે.
દુર્ઘટનાના મુખ્ય કારણો
આ હોટલ અગ્નિકાંડ પાછળ સુરક્ષાના માપદંડોની ગંભીર બેદરકારી જવાબદાર છે. ઈમારતમાં વેન્ટિલેશનનો સંપૂર્ણ અભાવ હતો, ફાયર એસ્કેપ જેવી કોઈ વ્યવસ્થા ન હતી અને મુખ્ય ગેટ સેન્સર આધારિત હોવાથી તે બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત જરૂરી ફાયર સેફ્ટી ઉપકરણો જેમ કે સ્મોક ડિટેક્ટર અને સ્પ્રિંકલર સિસ્ટમ બંધ હાલતમાં હતા. આ તમામ ગંભીર ઉલ્લંઘનોને કારણે સામાન્ય આગ એક મોટી હોનારતમાં પરિવર્તિત થઈ ગઈ અને અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા.