માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન કચેરી તાત્કાલિક શરૂ કરવાની માંગ
- PGVCLની કરોડોની કચેરીઓને તાળા, કોંગ્રેસે MD સમક્ષ ઉગ્ર રજૂઆત કરી
- » પ્રજાના ટેક્ષના કરોડો રૂપિયા ખર્ચવા છતાં મળવા પાત્ર સુવિધા થી પ્રજા ને વંચિત રાખતા પ્રસિદ્ધિ ભૂખ્યા ભાજપના શાસકો
- » પ્રજાના પ્રશ્ને પીજીવીસીએલના એમડીને રજૂઆત કરી તંત્ર ઢંઢોળતી કોંગ્રેસ
- ઉદઘાટન માટે ઉર્જા મંત્રીને રાજકોટ બોલાવવા ભાજપના ધારાસભ્યો સાંસદ અને નેતાઓનો પનો ટૂંકો પડે છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં PGVCL દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન કચેરીઓ હજુ શરૂ ન થતા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રત્નનગર, પોપટપરા આવાસ યોજના, ટાઉનશિપ તેમજ માધાપર ગામ અને આસપાસના વિસ્તારોને વીજ સુવિધા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવેલા ૬૬ KV સબસ્ટેશન અને વહીવટી કચેરીઓ પણ તાત્કાલિક જાહેર જનતા માટે ખુલ્લી મુકવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસના આગેવાનો પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, દિલીપભાઈ અસવાણી, જંશન પ્લોટ વેપારી એસોસિએશનના પ્રમુખ ગૌરવ પૂજારા સહિતના આગેવાનો રાજકોટના લક્ષ્મીનગર સ્થિત સૌરાષ્ટ્ર ઝોન PGVCL કચેરીએ પહોંચ્યા હતા.
ત્યાં PGVCLના MDને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન કચેરી તેમજ ૧૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૬૬ KV સબસ્ટેશન અને વહીવટી કચેરીઓનો લાભ લોકોને મળવો જોઈએ.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પ્રજાના ટેક્સના નાણાંમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ થયા છતાં કચેરીઓ કાર્યરત નહીં થતા લોકોને મળવાપાત્ર સુવિધાથી વંચિત રહેવું પડે છે. સાથે જ ઉર્જા મંત્રીને રાજકોટ બોલાવી કચેરીઓનું ઉદ્ઘાટન કરાવવાની સરકારી કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.
રજૂઆતમાં માધાપર સબ ડિવિઝન, બેડીનાકા સબ ડિવિઝન તેમજ રત્નનગર-પોપટપરા આવાસ યોજના અને આસપાસની સોસાયટીઓ માટેની વીજ વ્યવસ્થા સંબંધિત કચેરીઓ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરાઈ હતી.આ રજૂઆતમાં ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, દિલીપભાઈ અસવાણી, અશોકસિંહ વાઘેલા, ગૌરવ પૂજારા, જગુબા જાડેજા, હિતેશભાઈ બગડાઈ, યોગેશભાઈ માખેચા, ગમનભાઈ દવે, જસવંતસિંહ ભટી, મયુરસિંહ પરમાર, કમલેશભાઈ કોઠીવાર, મથુરભાઈ માલવી, દિવ્યરાજસિંહ જાડેજા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.