પ્રેમમાં અંધ દીકરી; પિતાના ઘરમાં જ 1.25 કરોડની લૂંટ ચલાવી
=> પિતાએ પ્રેમી સાથે લગ્નની ના પાડતા નવી જીંદગી શરૂ કરવા કરોડપતિ પિતાના ઘરમાં જ પ્લાન બનાવ્યો
સિટી ન્યૂઝ@મુરાદાબાદ
મુરાદાબાદના અકબર કમ્પાઉન્ડમાં ૧૧ મે ૨૦૨૬ના રોજ સવારે લગભગ ૪ વાગ્યાની આસપાસ પિત્તળના વેપારીના ઘરે લૂંટ થઈ હતી. હવે લૂંટની ઘટનામાં મોટો ખુલાસો થયો છે કે વેપારી મોહમ્મદ ઈમરાનની દીકરી અરીબાએ પોતાના પ્રેમી અરશદ અને તેના ત્રણ સાથીઓની સાથે મળીને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. બંને અલગ-અલગ જ્ઞાતિના હોવાથી અરીબાનો પરિવાર લગ્ન માટે રાજી નહોતો, જેથી અરીબાએ અરશદ સાથે નવી જિંદગી શરૂ કરવા માટે ૧.૨૫ કરોડ રૂપિયાની લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અરીબાએ પહેલેથી જ ઘરની ચાવીઓ પોતાના પ્રેમી અરશદને આપી દીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પિત્તળના વેપારી મોહમ્મદ ઈમરાનની દીકરી અરીબા અને અમરોહાના રહેવાસી અરશદ વચ્ચે છેલ્લા ૭-૮ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંનેના લગ્નમાં જ્ઞાતિની દીવાલ ઊભી થઈ ગઈ હતી. એટલે કે બંનેની જ્ઞાતિ અલગ-અલગ હોવાથી પરિવાજનો લગ્ન માટે રાજી નહોતા. જેથી અરીબાએ પ્રેમી સાથે મળીને પોતાના ઘરમાં જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અરીબાને ઘરમાં ક્યા-ક્યા પૈસા પડ્યા છે, તેની ખબર હતી. તેણે તેના પ્રેમીને જણાવ્યું હતું કે તેના ઘરમાં ઘણા રૂપિયા પડ્યા છે, જે બાદ બંનેએ પોતાની નવી જીંદગી શરૂ કરવા માટે લૂંટનો પ્લાન બનાવ્યો. અરીબાએ ચાલાકીથી એક મહિના પહેલા જ ઘરના મેઈન દરવાજાની ચાવી અરશદને આપી દીધી હતી.
કેવી રીતે થયો ખુલાસો?
આ ઘટના બાદ અરીબાના પરિવારે તાત્કાલિક સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SSP સતપાલ અંતિલની સૂચનાથી લૂંટારાઓને ઝડપી પાડવા ૪ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા શંકાની સોય સીધી ઘરના સભ્ય પર આવીને ઊભી રહી ગઈ હતી. પોલીસે જ્યારે અરીબાની આકરી પૂછપરછ કરી, ત્યારે તે પોપટની જેમ બધું બોલવા લાગી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક અરીબાના પ્રેમી અરશદ અને ત્રણ અન્ય સાથીઓની ધરપકડ કરી હતા. પોલીસે તેમની પાસેથી ૪૭ લાખ ૨૪ હજાર રૂપિયા રોકડા, ૪ તમંચા, ૫ મોબાઈલ અને બે ગાડીઓ જપ્ત કરી છે. હાલ પોલીસ બાકીની રકમ અને અન્ય ફરાર સાથીઓની શોધખોળ કરી રહી છે.