નરેન્દ્ર મોદીની વૈશ્વિક ચેતવણી: આફતોના દાયકાથી દુનિયા ગરીબી તરફ ધકેલાશે
- નેધરલેન્ડ્સના હેગમાં ભારતીય સમુદાય સમક્ષ કોરોના, યુદ્ધ અને ઉર્જા સંકટ પર વ્યક્ત કરી ભારે ચિંતા
- દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને 125 યુનિકોર્ન સક્રિય; ટેક્નોલોજી ક્ષેત્રે ભારત આકાશ આંબવા તૈયાર
- ટ્યૂલિપ અને કમળના ઉદાહરણ સાથે સંબંધોની નવી વ્યાખ્યા; ગ્લોબલ ડિજિટલ પેમેન્ટમાં ભારત મોખરે
નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાતે ગયેલા નરેન્દ્ર મોદીએ હેગમાં ભારતીય સમુદાયના એક ભવ્ય કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. ત્યાંના લોકોનો અદ્ભુત ઉત્સાહ જોઈને તેમણે કહ્યું કે, તેમને કોઈ વિદેશી ધરતી પર નહીં પરંતુ ભારતના જ કોઈ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. પોતાના સંબોધનમાં તેમણે વૈશ્વિક પરિસ્થિતિઓ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય, તો દુનિયાભરમાં અનેક દાયકાઓથી થયેલા વિકાસ કાર્યો પર પાણી ફરી વળશે અને વિશ્વની એક બહુ મોટી વસ્તી ગરીબીના ખપ્પરમાં ધકેલાઈ જશે.
કોરોના, યુદ્ધ અને ઉર્જા સંકટના ત્રિપલ પ્રહારથી વિશ્વ ચિંતિત
માનવતા સામે આવી પડેલા વર્તમાન પડકારોનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ દાયકો વિશ્વ માટે આફતોનો દાયકો સાબિત થઈ રહ્યો છે. દુનિયાએ પહેલા કોરોના મહામારીનો સામનો કર્યો, ત્યારબાદ ભયાનક યુદ્ધો જોયા અને વર્તમાન સમયમાં આખી દુનિયા ગંભીર ઉર્જા સંકટ સામે ઝઝૂમી રહી છે. આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત એક મજબૂત આશાના કિરણ તરીકે ઉભરી આવ્યું છે અને હવે દેશનું લક્ષ્ય વૈશ્વિક વિકાસનું મુખ્ય એન્જિન બનવાનું છે.
યુરોપનું ગેટવે બનશે નેધરલેન્ડ્સ, સંબંધોનો નવો સેતુ
નેધરલેન્ડ્સને ભારતીય વ્યવસાયો માટે યુરોપમાં પ્રવેશવાનું એક નેચરલ ગેટવે ગણાવતા તેમણે ઉમેર્યું કે, અહીં વસતો પ્રવાસી ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે એક વિશ્વસનીય બ્રિજ તરીકે કામ કરી રહ્યો છે. નેધરલેન્ડ્સ જેમ તેના સુંદર ટ્યૂલિપ ફૂલો માટે જાણીતું છે, તેમ ભારત કમળ માટે જાણીતું છે. ભારતના જમ્મુ અને કાશ્મીરમાં પણ વિશ્વનો સૌથી મોટો ટ્યૂલિપ બગીચો આવેલો છે. ટ્યૂલિપ અને કમળ બંને આપણને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સુંદરતા અને શક્તિ સાથે ખીલવાની પ્રેરણા આપે છે. આ ઉપરાંત ક્રિકેટ સહિત રમતગમતના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે ગાઢ જોડાણ છે.
ડિજિટલ પેમેન્ટ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત વૈશ્વિક લીડર
ભારતની આર્થિક અને તકનીકી પ્રગતિના આંકડા રજૂ કરતા તેમણે ગર્વપૂર્વક જણાવ્યું કે, 12 વર્ષ પહેલાં ભારતમાં 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ્સ હતા, જ્યારે આજે આ સંખ્યા વધીને 2 લાખથી વધુ થઈ ગઈ છે. વર્ષ 2014માં દેશમાં માત્ર 4 યુનિકોર્ન હતા, જે આજે વધીને 125 પર પહોંચી ગયા છે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ભારતમાં દર વર્ષે 20 અબજથી વધુ UPI ટ્રાન્જેક્શન થાય છે, જે દર્શાવે છે કે દુનિયાના અડધાથી વધુ ડિજિટલ ટ્રાન્જેક્શન એકલા ભારતમાં થઈ રહ્યા છે.
ચિપ્સનું ઉત્પાદન અને ઐતિહાસિક પરત મેળવણી
ભારત હવે AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્વનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. હાલ દેશમાં 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી 2 પ્લાન્ટમાં તો પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. હવે ચિપ્સની ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ બંને ભારતમાં જ થશે. આ દરમિયાન એક મોટી કૂટનીતિક સફળતાના ભાગરૂપે, નેધરલેન્ડ્સે 11મી સદીની રાજા રાજા ચોલ 1 ના શાસનકાળની ઐતિહાસિક "અનૈમંગલમ તાંબાની પ્લેટો" ભારતને પરત કરી છે. 30 કિલો વજન ધરાવતી આ 24 પ્લેટો 18મી સદીમાં ડચ શાસન દરમિયાન ભારતમાંથી નેધરલેન્ડ લઈ જવામાં આવી હતી, જે ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચેના પ્રાચીન સંબંધોનો મુખ્ય દસ્તાવેજ છે.
લેખના અંતે તેમણે 16 મે 2014ના ઐતિહાસિક દિવસને યાદ કરતા જણાવ્યું કે, આ જ દિવસે દાયકાઓ પછી ભારતમાં પૂર્ણ બહુમતી ધરાવતી સ્થિર સરકાર બની હતી અને લાખો દેશવાસીઓનો આ અખૂટ વિશ્વાસ જ તેમને અટકવા કે થાકવા દેતો નથી.