ચૂંટણીમાં ઉગ્ર ભાષા પડી ભારે: TMC સાંસદ અભિષેક બેનર્જીના ભડકાઉ ભાષણ સામે FIR
=> અમિત શાહને લઈને ધમકી ભર્યું નિવેદન આપ્યું હતું
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
TMC સાંસદ અભિષેક બેનર્જી વિરૂદ્ધ શુક્રવારે FIR નોંધવામાં આવી છે. તેમના પર બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપવા અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ ધમકીભર્યું નિવેદન આપવાનો આરોપ છે. આ કેસ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર રાજીબ સરકારે ૫ મેના રોજ ફરિયાદ નોંધાવી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક દિવસ પછી આ ફરિયાદ બાગુઈઆટી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. ફરિયાદમાં ૨૭ એપ્રિલથી ૩ મે દરમિયાન અભિષેક બેનર્જીના અનેક ચૂંટણી ભાષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાષણોની વીડિયો લિંક પણ પોલીસને સોંપવામાં આવી છે. પોલીસે ૧૫ મેના રોજ બપોરે ૨:૪૫ વાગ્યે બિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધી.