કાર્પેટની આડમાં લવાતો 13.34 લાખનો દારૂ-બિયર ઝડપાયો
રાજકોટ રેન્જની ટીમે 28.14 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની કરી ધરપકડ
સિટી ન્યૂઝ@સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થઈ રહેલી એક ટ્રકમાંથી કાર્પેટના રોલની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો રાજકોટ રેન્જ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી કુલ ૩.૨૮,૧૪,૬૬૪ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ રેન્જ આઈજી વિલિમ રાય દ્વારા રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના અપાયેલ ખાસ આદેશથી પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.દોટલીયા અલગ અલગ ટીમ સાથે ટેકનિકલ એનાલિસિસ, અને હ્યુમન સોર્સના આધારે ગુનેગારોને શોધવા સતત પેટ્રોલિંગ અને વોચમાં હતી.દરમિયાન પીએસઆઈ સી.એમ.કોટલીયા તેમજ તેમના સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, કાસમભાઈ બ્લોચ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સુરેન્દ્રનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે પહોંચતા જ સ્ટાફને હરિયાણા પાસિંગની એક ટ્રક નં. HR-૬૭-A-૮૯૬૪ નો ડ્રાઈવર ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને ત્યાંથી પસાર થવાનો છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ વોચમાં હતી ત્યારે સોલડી ટોલનાકા પાસેથી ટ્રક પસાર થતા જ પોલીસ ટીમે તેને કોર્ડન કરીને રોકી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકની અંદર કાર્પેટના મોટા રોલ ભરેલા દેખાતા હતા. પરંતુ પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક ચેક કર્યું, ત્યારે કાર્પેટના રોલની આડમાં સંતાડેલી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ગણતરી કરતા કુલ ૬,૯૯૨ નંગ વિદેશી દારૂ/બીયર રૂ.૧૩.૩૪ લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ગેરકાયદેસર હેરફેરના મામલે ટ્રકમાં સવાર બે શખ્સો રાજસ્થાનની ડ્રાઈવર સંદિપકુમાર વિનોદકુમાર શાહૂ અને ક્લીનર રણબીરસિંહ મહેન્દ્રસિંહ ઘાયલની ધરપકડ કરી દારૂ, ટ્રક, કાર્પેટના રોલ સહિત કુલ રૂ.૨૮.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક સોંપનાર હરિયાણાના મહેશ, દારૂનો જથ્થો મંગાવનાર બૂટલેગર, ટ્રકના માલિક સહિતના વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.