Loading Please Wait !!!
‘ઈમ્પેક્ટ ફી’ મુદતમાં 6 મહિનાનો વધારો

  • ગુજરાત સરકારનો મોટો નિર્ણય
  • ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાની મુદતમાં ફરી વધારો

 

  • સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાત રાજ્યના લાખો મિલકત ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગેરકાયદે અથવા અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે અમલી ‘ઈમ્પેક્ટ ફી’ કાયદા (ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિતકરણ અધિનિયમ) હેઠળ અરજી કરવાની મુદતમાં વધુ ૬ મહિનાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે નાગરિકો તેમના બિનઅધિકૃત રહેણાંક અને વાણિજ્યિક બાંધકામોને કાયદેસર કરાવવા માટે આગામી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

રાજ્યમાં અનેક એવા બાંધકામો છે જે કાં તો મંજૂરી વગર થયા છે અથવા મંજૂર પ્લાન કરતા વધુ બાંધકામ કરવામાં આવ્યું છે. આવા બાંધકામોને તોડી પાડવાને બદલે તેમને એક તક આપવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનાનો લાભ લઈને મિલકત ધારકો નિર્ધારિત ‘ઈમ્પેક્ટ ફી’ ભરીને પોતાના મકાન કે દુકાનને કાયદેસરનું સ્વરૂપ આપી શકે છે. કાયદેસરનું બાંધકામ થવાથી મિલકતના વેચાણ, લોન લેવા કે અન્ય કાયદાકીય પ્રક્રિયાઓમાં સરળતા રહે છે.

સરકારના આ નિર્ણયથી ખાસ કરીને એવા મિલકત ધારકોને મોટી રાહત મળી છે, જેમના બાંધકામોમાં સામાન્ય ક્ષતિઓ હોવાને કારણે અગાઉની અરજીઓ નામંજૂર થઈ હતી. આ વધારાના સમયગાળા દરમિયાન, અરજદારો પોતાની અરજીમાં રહેલી ત્રુટિઓ કે વાંધાઓને નિવારણ કરીને ફરીથી અરજી કરી શકશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ રાજ્યના વધુમાં વધુ અનધિકૃત બાંધકામોને સુરક્ષિત અને માન્યતા પ્રાપ્ત બાંધકામમાં પરિવર્તિત કરવાનો છે.