Loading Please Wait !!!
રાજકોટમાં દિવાળી પહેલા દુબઈ, બેંગકોકની ફ્લાઈટ શરૂ થવાની તૈયારી

ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઈમિગ્રેશન ઈન્સ્પેકશન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણના ૩ વર્ષ પૂર્ણ થયા બાદ પણ એકપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ ન થતાં સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી દિવાળી પૂર્વે તમામ એરલાઈન્સ કંપનીઓ અને સાંસદ સાથે મળીને દુબઈ તથા બેંગકોક માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ૧૩ ઓગસ્ટના રોજ અમદાવાદથી મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સની એક ટીમ ઈમિગ્રેશન સુવિધાઓની ચકાસણી માટે રાજકોટ એરપોર્ટની મુલાકાત લેવાની છે. એરપોર્ટને કસ્ટમ્સ ક્લિયરન્સની મંજૂરી અગાઉથી જ મળી ચૂકી છે. સાંસદ પરષોત્તમ રૂપાલાએ આ મુદ્દે સંસદમાં રજૂઆત કરી હતી, જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પોતાની તૈયારી દર્શાવીને હવે એરલાઈન્સ કંપનીઓ સાથે જોડાણ કરવા સૂચવ્યું હતું.
 
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં ગ્રીનફિલ્ડ એરપોર્ટની મંજૂરી મળી હતી, પરંતુ ૨૦૧૬ સુધી કોઈ પ્રોગ્રેસ થયો નહોતો. ચેમ્બરના સતત પ્રયાસો બાદ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું અને ૨૭ જુલાઈ ૨૦૨૩ના રોજ એરપોર્ટનું લોકાર્પણ થયું હતું. રાજકોટથી દુબઈ, બેંગકોક અને મિડલ ઈસ્ટના અન્ય શહેરો સાથે સીધી કનેક્ટિવિટી મળવાથી સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, મેડિકલ ઇમરજન્સી માટે જતા દર્દીઓ તેમજ પ્રવાસીઓને મોટો આર્થિક અને મુસાફરીનો ફાયદો થશે.