કોમનવેલ્થનો ધ્વજ ભારતને 2030માં અમદાવાદ બનશે યજમાન
- ગ્લાસગોમાં ભારતને મળ્યું ગૌરવ : ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા
- નીરજ ચોપરા અને પીટી ઉષા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યો સ્વીકાર
સિટી ન્યૂઝ@ગ્લાસગો
ગ્લાસગોના ઓઈલો હાઈડ્રો સ્ટેડિયમ ખાતે ૧૧ દિવસ સુધી ચાલેલા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬નો રવિવારે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સ્કૉટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સુપ્રત કર્યા હતા. વર્ષ ૨૦૩૦ માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની ઐતિહાસિક ૧૦૦ મી આવૃત્તિનું આયોજન ગુજરાતના અમદાવાદ ખાતે થશે. ૨૦૧૦માં નવી દિલ્હી બાદ, ભારત ઓસ્ટ્રેલિયા પછી એકથી વધુ વખત આ બહુ-રમતોત્સવની યજમાની કરનારો વિશ્વનો બીજો દેશ બનશે.
બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિ પ્રિન્સ એડવર્ડ (ડ્યુક ઓફ એડિનબર્ગ)એ સ્પર્ધાના
સમાપનની સત્તાવાર જાહેરાત કરી તમામ દેશોના ખેલાડીઓને ચાર વર્ષ બાદ રજમી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ આવવા નિમંત્રણ આપ્યું હતું. ભારતીયમહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા જયાસ્મિન લેમ્બોરિયાએ સમાપન સમારોહમાં ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. ગ્લાસગોના લોર્ડ પ્રોવોસ્ટ પાસેથી સીડબલ્યુજી પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રૂકાર, ગોલ્ડન બોય નીરજ ચોપરા, આઈઓએ અધ્યક્ષ પીટી ઉષા, અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી ધ્વજ પહોંચતાં જ યજમાનીની જવાબદારી ભારતને મળી હતી. સમાપન સમારોહમાં ભારત અને સ્કૉટલેન્ડના કલાકારો વચ્ચે અદ્ભુત સાંસ્કૃતિક રજૂઆત જોવા મળી હતી. જાણીતા ગાયક શંકર
મહાદેવન, તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે દેશભક્તિના ગીતો રજૂ કરીને વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. જ્યારે ગુજરાતી ગાયિકા ભૂમિકા ત્રિવેદીએ પોતાના ગીતો દ્વારા વિશ્વભરના ખેલાડીઓને ગુજરાત અને અમદાવાદમાંપધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતે કુલ ૩૬ મેડલ (૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૬ બ્રોન્ઝ) પોતાના નામે કરીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માત્ર ૧૨૨ ખેલાડીઓની નાની ટુકડી સાથે ભાગ લેવા છતાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહ બે મેડલ જીતનાર એકમાત્ર ખેલાડી બન્યા હતા. હવે સમગ્ર વિશ્વની નજર ૨૦૩૦ ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ પર ટેકેલી છે.