ચોટીલામાં 4.34 કરોડના બ્રિજનું કામ 3 મહિના વીતવા છતાં સાઈટ પર એક ઈંટ પણ ન મુકાતા લોકોમાં રોષ
» મેવાસા–ઝુ૫ડા રોડ પર 15 માર્ચે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું
» ખાતમુહૂર્ત માત્ર ફોટા પડાવવા અને પાટિયા લગાવવા પૂરતું સીમિત હોવાનો આક્ષેપ
સીટી ન્યૂઝ@ચોટીલા
ચોટીલા તાલુકાના મેવાસા અને ઝુપડા ગામના રોડ પર પ્રજાની સુવિધા માટે મેજર બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર દ્વારા ૪.૩૪ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. ગત ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ સ્થાનિક ધારાસભ્ય શામજી ચૌહાણની ઉપસ્થિતિમાં આ કામનું વિધિવત અને ધામધૂમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે, ખાતમુહૂર્તને ૩ મહિનાનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી સાઈટ પર બ્રિજ નિર્માણની ૧ પણ ઈંટ મુકાઈ નથી.
કામ શરૂ થવું તો દૂર, ત્યાં સાધનો કે મજૂરોનું પણ નામનિશાન જોવા મળતું નથી. કામમાં થઈ રહેલા આ અસહ્ય વિલંબને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિલંબને જોતા સ્થાનિકો રોષપૂર્વક પૂછી રહ્યા છે કે શું ખાતમુહૂર્ત માત્ર ફોટા પડાવવા અને નેતાઓના નામના પાટિયા લગાવવા પૂરતું જ સીમિત છે? લોકોને હવે આશંકા સતાવી રહી છે કે શું આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહેશે કે ખરેખર ક્યારેય આકાર લેશે. ગ્રામજનો હવે વહીવટી તંત્ર અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે દબાણ કરી રહ્યા છે.