ભાજપને મજબૂત કરનાર સ્વ.રૂપાણીને રાજકોટ ભાજપ ભૂલ્યું !
આદર નહીં અહંકાર ! રાજકોટ ભાજપ પર ઉઠ્યા પ્રશ્નો
સંસ્થાઓ-સંગઠનોએ કાર્યક્રમો યોજી શ્રદ્ધાંજલિ પાઠવી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મુખ્ય મંત્રી અને રાજકોટને ક્ષમતા કરતાં અનેક મોટી યોજનાઓ આપનાર વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયાને આજે એક વર્ષ પૂરું થયું છે ત્યારે રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા તથા ભાજપના લાખો કાર્યકરો આજે ભીની આંખે તેમના સંસ્મરણો વાગોળી રહ્યાં છે પરંતુ સૌથી આઘાત અને દુઃખદ બાબત એ છે કે, રાજકોટ શહેર ભાજપ દ્વારા સ્વ.વિજયભાઈ રૂપાણીની યાદમાં આજે એક પણ કાર્યક્રમનું આયોજન કરાયું નથી. શહેર ભાજપના ગણ્યા ગાંઠ્યા લોકોએ પ્રેસનોટ મોકલી મગરના આંસુ સાર્યા છે પરંતુ પુષ્પાંજલી જેવો સામાન્ય કાર્યક્રમ પણ યોજવાની તસદી લીધી નથી. શહેરના કેટલાક સંગઠનો અને સંસ્થાઓએ સ્વેચ્છાએ સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પતા કાર્યક્રમો યોજયા છે પરંતુ જેની જવાબદારી છે તેવા શહેર ભાજપના હોદ્દેદારો, પ્રવકતાઓ તથા પેપરજીવી નેતાઓ નફફટાઈપૂર્વક જવાબદારીથી ભાગ્યા છે અને શ્રધ્ધાંજલીના બે શબ્દો ઉચ્ચારવામાંથી પણ ગયા છે. જે તે કોઈ ઓળખાતુ ન હોય તેવા દિવંગતોને શ્રધ્ધાંજલી પાઠવવા ઠેકી પડતા ભાજપના નેતાઓએ સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલી આપવામાં પીછેહઠ કરી ભાજપની વર્તમાન સંસ્કૃતિને ઉજાગર કરી દીધી છે. આ નઠારા નેતાઓ સતા અને તોતીંગ બહુમતી હજમ કરી શક્યા નથી અને
સતાના મદમાં છકી જુથવાદના વરવા દર્શન કરાવ્યાની છાપ ઉપસી છે. સૌથી આઘાતજનક વાત તો એ છે કે, સ્વ.વિજયભાઈની આંગળી પકડીને નેતા બનેલા કાર્યકરોની રાજકોટમાં મોટી ફોજ છે. આજના હોદ્દેદારો-પદાધિકારીઓ પણ વિજયભાઈની જ દેન છે. આ સિવાય વિજયભાઈના સતાના વૈભવનો લાભ લઈને પંખા વગરની સાઈકલમાં ફરતાં અનેક કાર્યકરો આજે નેતા બની લક્ઝરી મોટરકારોમાં ફરતા થઈ ગયા છે. પરંતુ આ આવા કાર્યકરોને 'શરમ' નડી છે. શ્રધ્ધાંજલીના બે શબ્દો બોલવામાંથી પણ પારિવારીક ભાવના ધરાવતી પાર્ટીમાં આ ઘટનાથી અલગ જ 'કલ્ચર' લોકો નિહાળી રહ્યાં છે. સ્વ.વિજયભાઈએ રાજકોટના મેયરથી માંડી મુખ્યમંત્રી પદ સુધીની રાજકીય સફર દરમિયાન રાજકોટને ઘણુ આપ્યું છે. તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, કન્ટેનર ડેપો, સ્માર્ટસિટી, રાજકોટ-અમદાવાદ સિકસલેન હાઈવે, સૌરાષ્ટ્રની સૌથી મોટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત અનેક મોટા પ્રોજેકટ મળ્યા છે જે બાબતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. સ્વ.વિજયભાઈ મુખ્યમંત્રી હતાં ત્યારે ગાંધીનગરમાં રાજકોટના નેતાઓનો
દબદબો હતો અને સચિવાલયમાં ગ્રીન ચેનલમાં એન્ટ્રી મળતી હતી. રાજકોટના સામાન્ય કાર્યકરો પણ સચિવાલયમાં પગ પછાડતા હતાં પરંતુ આજે સ્વ.વિજયભાઈને શ્રધ્ધાંજલી આપવામાં મોં છુપાવી રહ્યાં છે. ઘણા નેતાઓ તો તેનું જ ખાઈને ખોદી રહ્યાં હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. એક સમયે વિજયભાઈના વફાદારોમાં જેની ગણના થતી હતી તેવા અનેક નેતાઓ આજે શ્રધ્ધાંજલી આપતા 'ડરી' રહ્યાં છે. જો કે, લોકો બધુ જોઈ અને સમજી રહ્યાં છે. સૌથી આંચકાજનક વલણ શહેર ભાજપનું અને મહાનગરપાલિકાના સતાધિશોનું છે. રાજકોટમાં ભાજપને વટવૃક્ષ બનાવવામાં લોહી પરસેવો એક કરનાર નેતાને પુષ્પાંજલીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો નથી. આજ રીતે સ્વ.વિજયભાઈ રૂપાણી રાજકોટના મેયર પણ રહી ચુક્યા છે તે દ્રષ્ટિએ કોર્પોરેશનના સતાધીશોએ પણ કમસેકમ પુષ્પાંજલીનો કાર્યક્રમ રાખવો જોઈ તો હતો પરંતુ કોર્પોરેશનના શાસકો પણ તેની ફરજ ચુક્યા છે. હિંદુ સંસ્કૃતિની 'સમય સમય બલવાન, નહીં મનુષ્ય બલવાન' વાળી કહેવત આજે યાદ આવી જાય છે. જે નેતાએ પોતાના જીવન પર્યંત રાજકોટની સેવા કરી અને રાજકોટ શહેરના વિકાસ માટે ઘણુ બધુ કર્યું છે અને પોતાની કાર્યશૈલીના બળે મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતાં તેને શ્રધ્ધાંજલી અર્પવામાં પણ નફ્ફટ નેતાઓને 'શરમ' આવી રહી છે. ભાજપના આ નવા 'કલ્ચર' થી રાજકોટનું ભાવી કેવું હશે તેનો ડરામણો સંદેશો પણ આ ઘટનાક્રમ પરથી આવી જાય છે.