વડોદરા ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ: ખુશી વચ્ચે બે બચ્ચાના મોતથી શોકનો માહોલ
- માતા 'રાધા' સ્તનપાન ન કરાવી શકતા બે માસૂમ જીવ ગુમાવ્યા, ત્રીજા બચ્ચાને બચાવવા તંત્રની મથામણ
- રાજકોટથી લવાયેલી સફેદ વાઘણે આપ્યો હતો જન્મ; ઝૂ પ્રશાસન દ્વારા ત્રીજા બચ્ચાનું 'હેન્ડ-રેરિંગ' શરૂ
- ઇન્ફેક્શનથી બચાવવા ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં રખાયું ત્રીજું બચ્ચું; સ્થિતિ અત્યારે સ્થિર અને સારી
વડોદરા: વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં 40 વર્ષના લાંબા વિરામ બાદ સફેદ વાઘના પરિવારમાં કિલકિલાટ ગુંજ્યો છે, પરંતુ આ આનંદની ક્ષણો સાથે કરુણતા પણ ભળી છે. ગત ડિસેમ્બર 2025માં રાજકોટ ઝૂથી લાવવામાં આવેલી સફેદ વાઘણ 'રાધા'એ 9 એપ્રિલના રોજ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જોકે, કમનસીબે ત્રણમાંથી બે બચ્ચાના ગણતરીના દિવસોમાં મોત નીપજ્યા છે, જ્યારે ત્રીજા બચ્ચાને બચાવવા ઝૂ પ્રશાસન અને તબીબોની ટીમ દિવસ-રાત એક કરી રહી છે.
ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરના જણાવ્યા મુજબ, રાધા પ્રથમ વખત માતા બની હોવાથી તે કુદરતી રીતે બચ્ચાને સ્તનપાન કરાવી શકી નહોતી. માતાનું દૂધ ન મળવાને કારણે બે બચ્ચા નબળા પડ્યા હતા અને ટૂંકા ગાળામાં જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ વન્યજીવ પ્રોટોકોલ મુજબ, ત્રીજા બચ્ચાને તાત્કાલિક અલગ કરી હોસ્પિટલના ખાસ 'નિયોનેટલ કેર યુનિટ'માં ખસેડવામાં આવ્યું છે.
અત્યારે આ બચ્ચાને 'હેન્ડ-રેરિંગ' (માનવીય દેખરેખ) હેઠળ રાખવામાં આવ્યું છે. ચેપથી બચાવવા માટે તેને ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવ્યું છે અને વેટરનરી ડોક્ટરો તેની સતત દેખરેખ કરી રહ્યા છે. રાહતના સમાચાર એ છે કે આ બચ્ચાની તબિયત હાલ સ્થિર અને સારી છે. માતા રાધા પણ સંપૂર્ણ સ્વસ્થ છે. ભલે બે બચ્ચા ગુમાવ્યા હોય, પરંતુ આ નવા મહેમાનના આગમન સાથે હવે વડોદરા ઝૂમાં સફેદ વાઘની કુલ સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. ઝૂ સત્તાવાળાઓને આશા છે કે આ બચ્ચું ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.