Loading Please Wait !!!
ભાવનગરમાં ઉઘરાણીમાં લોહીયાળ જંગ: સમાધાન માટે બોલાવી આખા પરિવારને ધોકાવાળી કરી

 

  • સુરતમાં રહેતી કિંજલબેન ચૌહાણે કૌટુંબિક ભાભી મનીષાબેનને ₹1.50 લાખ ઉછીના આપ્યા હતા.

  • બાકી નીકળતા ₹70,000 માંગવા બાબતે કાકાના ઘરે સમાધાનની બેઠક યોજાઈ હતી.

  • બેઠકમાં ઉશ્કેરાયેલા ફુવા ધીરુ પરમાર અને અન્ય ચાર શખ્સોએ આખા પરિવાર પર ધોકા વડે હુમલો કર્યો.

    ભાવનગર શહેરના પંચવટી ચોક વિસ્તારમાં ઉછીના આપેલા નાણાં પરત માંગવા જેવી સામાન્ય બાબતે મોટું ધીંગાણું સર્જાયું છે. સુરતથી પિયર આવેલી પરણીતાએ તેની કૌટુંબિક ભાભી પાસે બાકી રહેલા પૈસાની માંગણી કરતા, સામા પક્ષે સમાધાનના બહાને બોલાવી આખા પરિવાર પર ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

    ઘટનાની વિગતો મુજબ, સુરત રહેતી કિંજલબેન ચૌહાણે દોઢ વર્ષ પહેલાં પોતાની કૌટુંબિક ભાભી મનીષાબેન પરમારને ઘરકામ માટે ₹1.50 લાખ ઉછીના આપ્યા હતા. આ પૈસામાંથી ₹80,000 પરત મળ્યા હતા, પરંતુ બાકીના ₹70,000 બાબતે લાંબા સમયથી ખેંચતાણ ચાલતી હતી. આ મુદ્દાનો સુખદ અંત લાવવા માટે ગઈકાલે કાકાના ઘરે એક સમાધાન બેઠક રાખવામાં આવી હતી. જોકે, વાતચીત દરમિયાન મામલો ગરમાયો હતો અને સામા પક્ષના ફુવા ધીરુ સવજી પરમાર ઉશ્કેરાઈ ગયા હતા.

    ધીરુ પરમાર સહિત અન્ય ચાર શખ્સોએ કિંજલબેન, તેમના માતા-પિતા અને બહેન સાથે ગાળાગાળી કરી ધોકા વડે પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું. હુમલામાં આખા પરિવારને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

    ઘોઘારોડ પોલીસે આ મામલે કિંજલબેનની ફરિયાદને આધારે કાળિયાબીડ વિસ્તારના ધીરુ સવજીભાઈ, નિલેશ, પ્રફુલ, અમિત અને મનીષાબેન વિરુદ્ધ BNS એક્ટ 115(2), 352, 351(3), 54 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સામાજિક સંબંધોમાં પૈસાના કારણે આવેલી આ કડવાશ હવે પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચી છે.