વડોદરામાં ગંદકી કરનારા વેપારીઓની ખેર નથી: માંડવી વિસ્તારમાં કચરો બહાર ફેંકનાર દુકાન સીલ કરાઈ
-
વારંવાર સૂચના છતાં રસ્તા પર કચરો નાખતા વેપારી સામે મનપાની લાલ આંખ; કોર્પોરેશનની સત્તા સામે ઉઠ્યા સવાલ
-
સફાઈ ઝુંબેશ વચ્ચે ગંદકી કરનારા વેપારીઓ નિશાના પર; વોર્ડ નંબર 14 માં વડોદરા મનપાએ વટાવ્યો કોરડો
-
ડેપ્યુટી કમિશનરની હાજરીમાં માંડવી-પાણીગેટ રોડ પર કાર્યવાહી; સફાઈ બાદ કચરો ફેંકનારાઓની હવે ખેર નથી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે હવે દંડની કાર્યવાહીથી એક ડગલું આગળ વધીને કડક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે વોર્ડ નંબર 14માં આવેલા ચાર દરવાજા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ દરમિયાન ગંદકી ફેલાવનારા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી. માંડવી-પાણીગેટ રોડ પર આવેલી ‘રામકૃપા સ્ટોર’ નામની દુકાનને કચરો રસ્તા પર ફેંકવા બદલ તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવ્યું છે.
વારંવારની બેદરકારી પડી ભારે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ તાજેતરમાં મળેલી રીવ્યુ બેઠકમાં સફાઈ ઝુંબેશ પર ભાર મૂકતા સૂચના આપી હતી કે, જે વેપારીઓ અવારનવાર ગંદકી કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવી. આજે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર અને વોર્ડ ઓફિસર મહેશ રબારીના સ્ટાફે તપાસ કરતા જણાયું હતું કે, રામકૃપા સ્ટોરના સંચાલક સફાઈ થઈ ગયા બાદ અથવા દુકાન વધાવતી વખતે કચરો રસ્તા પર નાખી દેતા હતા. આ વેપારી અગાઉ પણ અનેકવાર આવી ગંભીર બેદરકારી દાખવી ચૂક્યા હોવાનું બહાર આવતા તંત્રએ સીલ મારવાની કાર્યવાહી કરી હતી.
સત્તા અંગે ઉઠ્યા સવાલો કોર્પોરેશનની આ આકરી કાર્યવાહીને પગલે વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. જોકે, બીજી તરફ શહેરીજનોમાં એવી ચર્ચા પણ શરૂ થઈ છે કે ગંદકી કરવાના ગુનામાં કોઈ પણ મિલકત કે દુકાનને સીલ મારવાની કાયદેસરની સત્તા કોર્પોરેશન પાસે છે ખરી? સામાન્ય રીતે આવા કિસ્સામાં દંડ વસૂલવામાં આવતો હોય છે, પરંતુ વડોદરા મનપાએ સીધું સીલ મારીને આ વખતે આકરો સંકેત આપ્યો છે.
પૂર્વ ઝોનના તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પગલાં બાદ હવે અન્ય વિસ્તારોના વેપારીઓ પણ સતર્ક થઈ ગયા છે. મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રહેશે