રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો બીજો સૌથી મોટો ડ્રોન હુમલો: 347 ડ્રોન તોડી પડાયા
- રશિયાના 20થી વધુ ક્ષેત્રોમાં અંધાધૂંધ હુમલા; વિજય દિવસ પૂર્વે મોસ્કો સહિતના શહેરોમાં હાઈ-એલર્ટ
- કીવના યુદ્ધ વિરામના પ્રસ્તાવને રશિયાએ ફગાવ્યા બાદ વળતો પ્રહાર; રશિયન સંરક્ષણ મંત્રાલયનો ખુલાસો
- યુક્રેને મોસ્કો સુધી મોકલ્યા ઘાતક ડ્રોન; રશિયન હવાઈ સંરક્ષણ દળોએ ડ્રોન તોડી પાડી આતંક રોક્યો
સિટી ન્યુઝ @ મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં એક નવો વળાંક આવ્યો છે. યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો બીજો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે, જેમાં એક જ રાતમાં 347 ડ્રોન રશિયાના વિવિધ ક્ષેત્રોને નિશાન બનાવીને લોન્ચ કરવામાં આવ્યા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે રશિયન હવાઈ સંરક્ષણ દળોએ સમયસૂચકતા વાપરી આ તમામ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયા તેના સૌથી મહત્વપૂર્ણ ‘વિજય દિવસ’ (Victory Day) ની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે. આ દિવસ બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીની હારની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે. મોસ્કો સહિત રશિયાના 20 થી વધારે ક્ષેત્રોમાં ડ્રોન દ્વારા આતંક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુક્રેનનો સૌથી મોટો હુમલો ગયા વર્ષે માર્ચમાં થયો હતો જેમાં 389 ડ્રોન લોન્ચ કરાયા હતા, જેની સરખામણીમાં આ વખતનો હુમલો પણ અત્યંત ગંભીર માનવામાં આવે છે.
આ ભીષણ ડ્રોન હુમલાને કારણે મોસ્કોના ત્રણ મુખ્ય એરપોર્ટ—શેરમેતયેવો, દોમોદેદેવો અને વનુકોવો—પર જનજીવન અને મુસાફરી પ્રભાવિત થઈ હતી. સમાચાર એજન્સીઓના જણાવ્યા મુજબ, બપોર સુધીમાં લગભગ 100 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અથવા તેમાં ભારે વિલંબ થયો હતો. પ્રવાસીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ રીતે વધારી દેવામાં આવી છે.
યુદ્ધ વિરામની વાતચીત અને દાવાઓ વચ્ચે આ હિંસાએ જોર પકડ્યું છે. રશિયન અધિકારીઓએ અગાઉ શુક્રવાર અને શનિવાર માટે યુક્રેનમાં એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેને પણ મંગળવાર રાતથી યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી, પરંતુ રશિયાએ નવા હુમલાઓ શરૂ કરી દેતા યુક્રેનને વળતો જવાબ આપવાની ફરજ પડી છે. કીવના યુદ્ધ વિરામના પ્રસ્તાવને મોસ્કોએ ફગાવી દેતા બંને દેશો વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી છે.
નિષ્ણાતો માની રહ્યા છે કે રશિયાના વિજય દિવસના સમારંભમાં ખલેલ પહોંચાડવા અને રશિયાની આંતરિક સુરક્ષા પર સવાલ ઉભા કરવા માટે યુક્રેને આ આક્રમક રણનીતિ અપનાવી છે. રશિયા હવે આ ડ્રોન હુમલાનો વળતો જવાબ કેવી રીતે આપે છે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આગામી દિવસોમાં રશિયન દળો યુક્રેનમાં મોટા પાયે વળતી એરસ્ટ્રાઈક કરે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.