Loading Please Wait !!!
તુષાર ઘેલાણી આત્મહત્યા કેસ: આરોપી પૂનમ ભદોરિયાની જામીન અરજી પર હાઈકોર્ટની સરકારને નોટિસ

  • બ્લેકમેઈલિંગના આક્ષેપો વચ્ચે જેલમુક્ત થવા કવાયત, 22 એપ્રિલે થશે વધુ સુનાવણી
  • પુત્રીનો આક્ષેપ: લગ્નના દિવસે પણ ફોન કરી માનસિક ત્રાસ આપી પિતાને હેરાન કર્યા હતા
  • પોલીસ પાસે કોલ ડિટેલ્સના મજબૂત પુરાવા, ચાર્જશીટ પહેલા જ જામીન મેળવવા ધમપછાડા

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે જેલવાસ ભોગવી રહેલી પૂનમ ભદોરિયાએ હવે જેલમુક્ત થવા માટે કાયદાકીય પ્રક્રિયા તેજ કરી છે. પૂનમ ભદોરિયાએ ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી દાખલ કરી છે. આ અરજી પર સુનાવણી હાથ ધરતા હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. હવે આ હાઈપ્રોફાઈલ મામલે વધુ સુનાવણી આગામી 22 એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે.

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, બિલ્ડર તુષાર ઘેલાણીની આત્મહત્યા બાદ તેમની પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પુત્રીના આક્ષેપ મુજબ, પૂનમ ભદોરિયા તેના પિતાને શારીરિક અને માનસિક રીતે સતત ત્રાસ આપી રહી હતી. પૂનમ તેના પિતાને બ્લેકમેઈલ કરતી હતી અને તેમની પાસેથી નાણાકીય તેમજ અન્ય અયોગ્ય માંગણીઓ કરીને દબાણ ઊભું કરતી હતી. આ આક્ષેપોને પગલે સુરત પોલીસે પૂનમની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં બ્લેકમેઈલિંગ અંગેના ચોંકાવનારા ટેકનિકલ પુરાવાઓ પણ સામે આવ્યા છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, જ્યારે તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન હતા, ત્યારે તેના આગળના દિવસોથી જ પૂનમે સતત ફોન કોલ્સ કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આત્મહત્યાના આગલા દિવસે પણ પૂનમે તુષારભાઈને અનેક ફોન કર્યા હતા, જેના પુરાવા અને કોલ ડિટેલ્સ પોલીસે મેળવી લીધા છે. આ પુરાવાઓ કેસમાં અત્યંત મહત્વના સાબિત થઈ શકે છે.

એક તરફ પૂનમ ભદોરિયાએ જામીન મેળવવા અરજી કરી છે, તો બીજી તરફ તેણે પોતાની સામે થયેલી પોલીસ ફરિયાદ (FIR) ને જ રદ કરાવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પૂનમની દલીલ છે કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી છે. જોકે, પોલીસ આ કેસમાં ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીમાં છે, તે પૂર્વે જ જામીન મેળવવાના આરોપીના પ્રયાસોએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

તુષાર ઘેલાણીની આત્મહત્યાએ સુરતના બિલ્ડર આલમમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો. હવે જ્યારે આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે, ત્યારે 22 એપ્રિલની સુનાવણી પર સૌની નજર ટકેલી છે. શું હાઈકોર્ટ કોલ ડિટેલ્સ અને પરિવારના આક્ષેપોને ધ્યાને રાખીને પૂનમ ભદોરિયાને જેલમાં જ રાખશે કે તેને રાહત આપશે, તે જોવું મહત્વનું બની રહેશે.