સુરેન્દ્રનગર LCBનું મોટું ઓપરેશન: હડાળામાં દારૂની ભઠ્ઠી પર દરોડો
- 2.07 લાખનો મુદ્દામાલ જપ્ત, સાયલાના બે આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર
- LCBની કાર્યવાહીમાં 400 લીટર દેશી દારૂ મળી આવ્યો, પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ
- પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની કડક સૂચના બાદ સાયલામાં LCB ત્રાટકી
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં સાયલા તાલુકાના હડાળા ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા પ્રોહિબિશનની બદીને જડમૂળથી ઉખેડી નાખવા આપવામાં આવેલી સૂચનાના ભાગરૂપે, LCBની ટીમે બાતમીના આધારે આરોપીની વાડીમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે દારૂ ગાળવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી 400 લિટર દેશી દારૂ (કિંમત રૂ. 80,000) અને 5000 લિટર આથો (કિંમત રૂ. 1,25,000) સહિત કુલ 2.07 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત, દારૂ ગાળવા માટે વપરાતી મોટર, નળી અને અન્ય સાધનો પણ જપ્ત કરાયા છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ નાથાભાઈ મંગળાભાઈ સાગરીયા (રહે. હડાળા) અને ચંદુભાઈ ઘોઘાભાઈ અઘારા (રહે. સામતપર) વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમની શોધખોળ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં LCBના PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ અને PSI એન.એ. રાયમા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર કરવામાં આવતા આવા દરોડાને કારણે ગેરકાયદેસર દારૂનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં આ પ્રકારની ડ્રાઈવ વધુ કડક બનાવવામાં આવશે અને કોઈપણ કસૂરવારને છોડવામાં આવશે નહીં.
પોલીસની સઘન તપાસ
સાયલા તાલુકાના હડાળા ગામે ઝડપાયેલી આ દારૂની ભઠ્ઠી મોટા પાયે સંચાલિત કરવામાં આવતી હતી. 5000 લિટર આથો જપ્ત કરવો એ પોલીસની મોટી સફળતા ગણાય છે. ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની વિવિધ ટીમો કાર્યરત છે. જિલ્લામાં દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓ સામે પોલીસનું આ 'ઝીરો ટોલરન્સ' વલણ સામાન્ય નાગરિકોમાં સરાહનીય બની રહ્યું છે.