Loading Please Wait !!!
સુરત મનપા જંગ: એક જ ઘરમાં 'રાજકીય યુદ્ધ' ટળ્યું! પતિ ભાજપમાં, તો પત્નીનો AAPમાંથી ચૂંટણી લડવા ઈનકાર

  • ધાર્મિક માલવીયા અને મોનાલી હીરપરા વચ્ચે સામસામે જંગની અટકળોનો અંત - પારિવારિક કારણોસર પત્ની મેદાનમાંથી આઉટ
  • "બાળકની સારસંભાળમાં વ્યસ્ત છું, ટિકિટ માંગી નથી" - AAP કોર્પોરેટરના નિવેદનથી રાજકીય ગરમાવો શાંત પડ્યો
  • પતિ ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી ફોર્મ ભરતા પેદા થઈ હતી ગૂંચ - અલ્પેશ કથીરિયા અને કાવ્યા કથીરિયાની પણ ચર્ચા

સુરત મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણી પૂર્વે હીરા નગરીના રાજકારણમાં અનેક રસપ્રદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતાઓ અને તેમના પરિવારના સભ્યો વચ્ચે પક્ષીય વિચારધારાને લઈને સર્જાયેલો ગજગ્રાહ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ પાટીદાર નેતા ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવતા, તેમના પત્ની અને AAP ના કોર્પોરેટર મોનાલી હીરપરા સામસામે લડશે તેવી અટકળો તેજ બની હતી, જેનો હવે અંત આવ્યો છે.

પાટીદાર અનામત આંદોલન વખતે જાણીતા બનેલા ધાર્મિક માલવીયાએ અગાઉ વિધાનસભાની ચૂંટણી AAP માંથી લડી હતી, પરંતુ ત્યારબાદ તેઓ કેસરીયો ખેસ પહેરી ભાજપમાં સામેલ થયા હતા. આગામી પાલિકા ચૂંટણીમાં તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી છે. બીજી તરફ, અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ પણ વોર્ડ નંબર 3 માંથી ભાજપમાં ટિકિટ માંગી છે. આ સ્થિતિમાં ધાર્મિકભાઈના પત્ની મોનાલીબેન હજુ પણ AAP માં હોવાથી પતિ-પત્ની વચ્ચે રાજકીય યુદ્ધના એંધાણ વર્તાતા હતા.

જોકે, તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા મોનાલી હીરપરાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વખતે ચૂંટણી લડવાના નથી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "મેં ટિકિટ માટે કોઈ દાવેદારી કરી નથી કે ફોર્મ પણ ભર્યું નથી. હાલમાં હું મારા નાના બાળકની સારસંભાળ અને પરિવારમાં વ્યસ્ત હોવાથી પક્ષના કાર્યક્રમોમાં પણ જઈ શકતી નથી." તેમના આ નિવેદનથી એક જ ઘરમાં બે અલગ-અલગ પક્ષો સામસામે આવશે તેવો વિવાદ હવે શાંત પડ્યો છે.

મહત્વની વાત એ છે કે મોનાલીબેને ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હોવા છતાં, તેમણે હજુ પણ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાની વાત કહી છે. આ બાબતે રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે કે પતિ ભાજપના સક્રિય નેતા અને દાવેદાર હોય ત્યારે પત્ની અન્ય પક્ષ સાથે છેડો કેમ નથી ફાડતા? જોકે, હાલ પૂરતું તો પતિ-પત્ની વચ્ચેનો સંભવિત રાજકીય જંગ ટળી ગયો છે, જે પરિવાર માટે રાહતના સમાચાર છે.

સુરત મનપાની ચૂંટણીમાં પાટીદાર મતો હંમેશા નિર્ણાયક રહ્યા છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા જેવા નેતાઓ હવે ભાજપમાં સક્રિય હોવાથી AAP માટે પોતાના ગઢ બચાવવા મુશ્કેલ બની રહ્યા છે. મોનાલી હીરપરા જેવા સક્રિય કોર્પોરેટર જ્યારે ચૂંટણી મેદાનમાંથી ખસી જાય છે, ત્યારે તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ નેતાઓના પરિવારના સભ્યોને ટિકિટ આપીને મતદારોને રીઝવવામાં કેટલી સફળ રહે છે.