Loading Please Wait !!!
સુરત મ્યુનિ. કમિશનરનું રૌદ્ર સ્વરૂપ: કામચોર અધિકારીઓને સસ્પેન્ડ કે ફરજિયાત નિવૃત્તિની ચીમકી

 

  • સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠકમાં કડક વલણ અપનાવ્યું.

  • જવાબદારી એકબીજા પર ઢોળનારા અધિકારીઓને સસ્પેન્ડ અથવા ફરજિયાત નિવૃત્તિ સુધીના પગલાંની ચીમકી.

  • બીઆરટીએસ રૂટની ખામીઓ દૂર કરવામાં નિષ્ફળ રહેલા ઈજનેરોની જાહેરમાં ઝાટકણી કાઢી.

    સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને આજે મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કામચોર અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી અને બીઆરટીએસ રૂટની જાળવણીમાં જોવા મળેલી ગંભીર બેદરકારી બદલ કમિશનર અત્યંત અકળાયેલા જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જે અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવવાને બદલે એકબીજા પર દોષારોપણ કરશે, તેમને સસ્પેન્ડ કરવામાં આવશે અથવા તો ફરજિયાત નિવૃત્તિ આપી ઘરભેગા કરી દેવાશે. આ કડક સૂચનાને પગલે પાલિકાના અધિકારી આલમમાં ભારે સોપો પડી ગયો છે.

    તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરે બીઆરટીએસ રૂટનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં બોર્ડની આસપાસ નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ અને રાત્રિના સમયે અપૂરતા પ્રકાશ જેવી અનેક ખામીઓ સામે આવી હતી. આ મુદ્દે જ્યારે બીઆરટીએસ વિભાગના કાર્યપાલક ઈજનેર માનસિંહ ચૌધરીને પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે આ જવાબદારી ઝોન લેવલની હોવાનું કહી બહાનાબાજી કરી હતી. અધિકારી દ્વારા જવાબદારીમાં ‘ખો’ આપવાના આ વલણથી કમિશનર નાગરાજન ઉકળી ઉઠ્યા હતા અને તમામ અધિકારીઓની હાજરીમાં તેમની જોરદાર ઝાટકણી કાઢી હતી.

    કમિશનરે અધિકારીઓને ખખડાવતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં ઝોન અને વિભાગ વચ્ચેના સંકલનનો અભાવ જનતાના કામોમાં રૂકાવટ લાવી રહ્યો છે. તેમણે કડક લહેજામાં કહ્યું કે, "જો તમારે કામ ન કરવું હોય અને માત્ર એકબીજા પર જવાબદારી ઢોળવી હોય, તો સસ્પેન્શન કે ફરજિયાત નિવૃત્તિ માટે તૈયાર રહો." કમિશનરના આ રૌદ્ર સ્વરૂપને જોઈને બેઠકમાં હાજર અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

    આ ઉપરાંત, આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન કામગીરીની ઢીલી ગતિ સામે પણ કમિશનરે રોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને ખાડી સફાઈની કામગીરીમાં હજુ સુધી દબાણો કેમ દૂર કરાયા નથી તેવા વેધક સવાલો પૂછ્યા હતા. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે ખાડીમાં સફાઈ માટે જે પણ દબાણો નડતરરૂપ હોય તેને કોઈ પણની શેહશરમ રાખ્યા વિના તાત્કાલિક હટાવવામાં આવે. કમિશનરે પ્રશ્ન કર્યો હતો કે, "આ દબાણો હટાવવા માટે કોની રાહ જોવામાં આવી રહી છે?"

    અંતમાં, મ્યુનિસિપલ કમિશનરે તમામ ઝોનલ અધિકારીઓ અને વિભાગીય વડાઓને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સાત દિવસની અંદર ખાડીઓ પરના તમામ દબાણો દૂર કરી, અંદર સુધી સંપૂર્ણ સફાઈ કરવા માટેનો નક્કર ‘એક્શન પ્લાન’ રજૂ કરવા આદેશ આપ્યો છે. કમિશનરના આ આકરા મિજાજને જોતા હવે પાલિકાના નિષ્ક્રિય વિભાગોમાં દોડધામ મચી ગઈ છે અને આગામી દિવસોમાં સુરતમાં મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ જોવા મળી શકે છે.