રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસે સુરેન્દ્રનગરના સોમાસર ગામના પટોળા દેશભરમાં પ્રખ્યાત!
-
મૂળી તાલુકાનું સોમાસર ગામ પટોળા કલા ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે.
-
પાટણના વિશ્વવિખ્યાત મ્યુઝિયમમાં ઝાલાવાડના કલાકસબીઓના ઉત્પાદનો પ્રદર્શિત કરાયા.
-
છેલ્લા 55 વર્ષથી વિઠ્ઠલ વાઘેલા આ કલા સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા છે.
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર, આજે રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું સોમાસર ગામ પટોળા કલા ક્ષેત્રે દેશભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. આ ગામના 60 થી વધુ પરિવારો આ પ્રાચીન હસ્તકલાને ખૂબ જ ઉત્સાહથી જીવંત રાખી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણના વિશ્વવિખ્યાત પટોળા હેરિટેજ મ્યુઝિયમમાં પણ ઝાલાવાડના કલાકસબીઓ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો લૂમ સાથે વિશેષરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
એક પટોળું તૈયાર કરવામાં 3 થી 4 વ્યક્તિઓને 15 થી 20 દિવસનો સઘન શ્રમ અને અદ્ભુત કલાત્મકતા લાગે છે. આ પટોળાની કિંમત રૂ. 10 હજારથી લઈને રૂ. 3 લાખ સુધીની હોય છે, જે તેની ઝીણવટભરી કારીગરી અને ઉત્કૃષ્ટ ગુણવત્તા દર્શાવે છે. છેલ્લા 55 વર્ષથી આ કલા સાથે જોડાયેલા સોમાસર ગામના વિઠ્ઠલ વાઘેલા જણાવે છે કે 'પટોળા' શબ્દ સંસ્કૃતના 'પહકુલ્લા' શબ્દમાંથી આવ્યો છે અને આ કલા પૂર્વજો પાસેથી તેમને વારસામાં મળી છે.
પટોળા બનાવવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોય છે, જેમાં દરેક તારને ગાંઠો બાંધીને રંગવામાં આવે છે અને 'બેવડ ઇકત' પદ્ધતિનો ઉપયોગ કરીને આડી અને ઊભી બંને ડિઝાઇન બનાવવામાં આવે છે. તેના રંગો અને ભાત ક્યારેય ઝાંખા પડતા નથી. સરકાર દ્વારા યોજાતા વિવિધ પ્રદર્શનો અને વેચાણ મેળાઓને કારણે સોમાસરના પટોળા હવે દેશના ખૂણેખૂણે પહોંચ્યા છે અને આ વ્યવસાય ફરીથી ધબકતો થયો છે.
વિઠ્ઠલભાઈનું યોગદાન માત્ર ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેઓએ ગાંધીનગરની NIFT સંસ્થામાં 3 વર્ષ પટોળા ક્લસ્ટરમાં 'માસ્ટર ડિઝાઈનર' તરીકે સેવા આપીને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપી છે. આ ઉપરાંત, યુએસએના પ્રોફેસર વેન્ડી વેઈસના પુસ્તક તેમજ NIFTના વિદ્યાર્થીઓના પુસ્તક 'ઇક્ત કી પેટી' માં પણ સોમાસરના પટોળાને ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું છે.
આ પ્રાચીન કલા આપણા દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે, જેને જાળવી રાખવા માટે કારીગરો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હસ્તકલા અને સાંસ્કૃતિક વારસો
દેશની પરંપરાગત હસ્તકલા અને હેન્ડલુમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી સ્થાનિક કારીગરોને રોજગારી મળે છે અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે ઉજાગર થાય છે.