Loading Please Wait !!!
SGVP ગુરૂકુલ રીબડા ખાતે દિવ્ય “સદગુરુ સાનિધ્ય સભા” સંપન્ન

 

  • ગુરૂપૂર્ણિમા નિમિત્તે 2000થી વધુ ભાવિકો ઉમટ્યા; ફ્રી મેડિકલ કેમ્પનો પણ લાભ લીધો

સિટી ન્યૂઝ@રીબડા

SGVP ગુરૂકુલ રીબડા-રાજકોટના પાવન આંગણે ગુરૂપૂર્ણિમાના મહાપર્વ નિમિત્તે શ્રદ્ધા, ઉલ્લાસ અને દિવ્ય વાતાવરણ વચ્ચે પરમ પૂજ્ય ગુરૂવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં ‘સદગુરુ સાનિધ્ય સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હરિભક્તોના અહોભાવ અને ભક્તિના નાદથી સમગ્ર ગુરૂકુલ પરિસર ગુંજી ઊઠ્યું હતું.

આ મંગલકારી સભામાં રાજકોટ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણ સ્વામી, રીબડા ગુરૂકુલના સંચાલક

ધર્મવત્સલદાસજી સ્વામી તેમજ બાલાજી મંદિરના મહંત શાસ્ત્રી વિવેકસાગરદાસના મહોંત ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજકોટના મેયર નહુભાઈ શુક્લ, ગુરૂકુલના ટ્રસ્ટી મધુભાઈ દોંગા, જસમતભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા, જમનભાઈ બાલધા તથા ભાજપ અગ્રણી રાજીદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) સહિતના મહેમાનોએ સ્વામીજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

માધવપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે,

“જીવનમાં સાચા માર્ગદર્શન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ગુરૂનો આશ્રય અનિવાર્ય છે. સદગુરુના ઉપદેશોને જીવનમાં ઉતારીને જ સાચો આનંદ અને શાંતિ મેળવી શકાય છે.”

ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરૂકુલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો અને ગ્રામજનોએ લાભ લીધો હતો.

આ દિવ્ય સભામાં રાજકોટ, રીબડા, ગુંદાસરા, રીબ, રાવડી, ધોલરા, વાવડી, મવડી, માખડ, સળક પીપળીયા, શાપર-વેરાવળ અને

મૂંગાવવાડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૦૦૦થી વધુ ભાવિક હરિભક્તો જોડાયા હતા.

આ પ્રસંગે હરિભક્તો ઉપરાંત ગુરૂકુલના આશરે ૧૫૦૦ શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ સ્વામીજીને પુષ્પહાર અર્પણ કરી પૂજન-અર્ચન સાથે ગુરૂવંદના કરી હતી.કાર્યક્રમને સુચારુ અને ભવ્ય બનાવવા ગુરૂકુલના વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકોએ સેવાઓ આપી હતી. સભાના અંતે ઉપસ્થિત હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.