ઓનલાઈન બેંકિંગના વધતા ઉપયોગ વચ્ચે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો!
-
વૈશ્વિક સ્તરે AI આધારિત સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં ૮૪ ટકાનો વધારો નોંધાયો છે.
-
ભારતમાં ચાલુ વર્ષે ૧ કરોડથી વધુ સાયબર ક્રાઈમના બનાવો અને ૩૦ લાખ કેસ છેતરપિંડીના છે.
-
સોશિયલ મીડિયા પરથી ફોટો અને અવાજ મેળવીને વોઈસ ક્લોનિંગ દ્વારા કરાય છે છેતરપિંડી.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ, સાપ્રત સમયમાં ઘરબેઠાં મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. વિતેલા કેટલાક મહિનાઓથી યુઝર્સને કોઈ પણ પ્રકારના ઍલર્ટ કે OTP વગર જ બેન્ક ખાતામાંથી નાણાં સરી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે. સાયબર ઠગો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, જેને લઈને નાગરિકોમાં ભારે ચિંતા પ્રસરી છે.
વૈશ્વિક સ્તરે AI આધારિત સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં ૮૪ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે ભારતમાં ચાલુ વર્ષે ૧ કરોડથી વધુ સાયબર ક્રાઈમના બનાવો બન્યા છે, જેમાં ૩૦ લાખથી વધુ કેસ માત્ર છેતરપિંડીના છે. ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ઓનલાઈન ફ્રોડના કેસમાં ૩૦ ટકાનો વધારો થયો છે અને દરરોજ સરેરાશ ૫૦૦ જેટલી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ઠગો સોશિયલ મીડિયા પરથી ફોટોગ્રાફ્સ મેળવીને વોઈસ ક્લોનિંગ અને ડીપફેક વીડિયો દ્વારા બેંકોની KYC પ્રક્રિયાને બાયપાસ કરી રહ્યા છે.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક વ્યક્તિના ઓળખ કાર્ડના ડેટા મેળવી, OTP વગર મોબાઈલ નંબર બદલી અને ડીજી લોકર હેક કરીને નવા બેંક ખાતા ખોલવા તથા ઓનલાઈન લોન લેવાનો ગંભીર પ્રયાસ પ્રકાશમાં આવ્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે આ કેસમાં કડક કાર્યવાહી કરીને અમદાવાદ, આણંદ, વડોદરા અને ભરૂચમાંથી ૪ યુવકોની ધરપકડ કરી છે, જેઓ અન્ય રાજ્યોના માસ્ટરમાઈન્ડ સાથે મળીને આ નેટવર્ક ચલાવતા હતા.
આ પ્રકારના જોખમોથી બચવા માટે ભારત સરકારના સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર દ્વારા નાગરિકો માટે મહત્વની સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં પોતાના ફોટોગ્રાફ્સ અને બાયોમેટ્રિક વિગતો સુરક્ષિત રાખવા, ઈ-મેલ તથા બેંક નોટિફિકેશન પર સતત નજર રાખવા અને સિમ કાર્ડ અચાનક બંધ થઈ જાય તો ત્વરિત ટેલિકોમ કંપનીનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે.
નાગરિકોએ સોશિયલ મીડિયા પર પોતાના કે પરિવારના અંગત ફોટોગ્રાફ્સ અને વિગતો શેર કરતી વખતે સ્વયંભૂ શિસ્ત જાળવવી અત્યંત આવશ્યક છે, જેથી કોઈપણ પ્રકારના નાણાકીય કે સાયબર ફ્રોડથી સુરક્ષિત રહી શકાય.