ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલી રોકવા 15 ગામ મેદાને
-
ચોટીલા, થાન અને મૂળીમાં ગેરકાયદે ખનન અને દબાણો દૂર કરી જમીનો મુક્ત કરાવી
-
દિવસમાં 18 થી 20 કલાક કામ કરી ગરીબોના પ્રશ્નો ઉકેલનારા અધિકારીની બદલીનો વિરોધ
-
બદલીના સમાચાર મળતાં કચેરીમાં 517 નાગરિકો રાત્રે 12:30 વાગ્યા સુધી મળવા પહોંચ્યા
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ અને ખાણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરનારા લોકપ્રિય ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની મહીસાગર ખાતે બદલી થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોટીલા, થાન અને મૂળી પંથકના આશરે 15 ગામોના સરપંચો તેમજ ગ્રામજનો તેમની બદલી રોકવા માટે એકત્ર થઈને મેદાનમાં ઉતર્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બદલી રદ કરવાની ઉગ્ર માંગ કરી છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન ચોટીલા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા એચ.ટી. મકવાણાએ ગેરકાયદેસર ખાણો અને જમીન માફિયાઓ સામે લાલ આંખ કરીને કરોડો રૂપિયાની સરકારી જમીનો દબાણમુક્ત કરાવી હતી. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય કેન્દ્રો, મધ્યાહન ભોજન અને જાહેર વિતરણ વ્યવસ્થા (રેશનિંગ) માં ચાલતી ગેરરીતિઓ પર પણ તેમણે કડક તવાઈ બોલાવી હતી. ગરીબ પરિવારો પાસેથી છીનવાયેલી જમીનો પરત અપાવવા અને જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવાના કારણે તેઓ સ્થાનિક સ્તરે અત્યંત લોકપ્રિય બન્યા હતા.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, એચ.ટી. મકવાણા દિવસના 18 થી 20 કલાક સુધી અવિરત કામ કરીને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવતા હતા. બદલીના આદેશ બાદ યોજાયેલા પ્રથમ મુલાકાતી દિવસે કચેરી ખાતે 517 થી વધુ નાગરિકો ઉમટી પડ્યા હતા. લોકોની ભારે ભીડને કારણે ડેપ્યુટી કલેક્ટરે મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી કચેરીમાં બેસીને દરેક નાગરિકની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 144 વર્ગ-1 અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી હતી, જેમાં એચ.ટી. મકવાણાની બદલી મહીસાગર જિલ્લામાં કરવામાં આવી છે. ગ્રામજનો અને સરપંચોની લાગણી છે કે આવા નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીને તેમનો નિયત કાર્યકાળ પૂર્ણ કરવા દેવો જોઈએ, જેથી સ્થાનિક પ્રજાને તેમના વહીવટી અનુભવ અને કામગીરીનો લાભ મળતો રહે.
ડેપ્યુટી કલેક્ટરની બદલી રોકવા આવેદનપત્ર
ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની મહીસાગર બદલી થતાં 15 ગામના લોકો વિરોધમાં આવ્યા છે. ગેરકાયદે ખનન ડામનાર અને રોજ 18 કલાક કામ કરી જનહિતના પ્રશ્નો ઉકેલનાર અધિકારીનો કાર્યકાળ પૂરો કરવા દેવા ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપ્યું છે. બદલી બાદ પણ તેમણે મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી 517 નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા હતા.