Loading Please Wait !!!
રાજકોટમાં ઠેર-ઠેર કલાકોના ટ્રાફિકજામ, પોલીસ દંડ વસૂલવામાં વ્યસ્ત!

» જામના સ્થળે ટ્રાફિક પોલીસ-TRB ગાયબ, છેવાડે 4-5 બ્રિગેડિયરની ટીમ સાથે વાહનચેકિંગ: પોલીસની કાર્યપદ્ધતિ સામે લોકોમાં રોષ
» ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની બદલે દંડ વસૂલાતને પ્રાથમિકતા હોવાની ચર્ચા : સત્તાપક્ષના ધારાસભ્યો, સામાજિક આગેવાન અને વિપક્ષે વ્યક્ત કર્યો મત

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે ત્યારે ગઈકાલે શહેરના અનેક માર્ગો પર કલાકો સુધી ટ્રાફિકજામના દશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફિકથી પરેશાન વાહનચાલકો અને નાગરિકોના વિડિયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ખાસ બાબત એ હતી કે જ્યાં વાહનોની લાંબી કતારો અને ટ્રાફિકજામ સર્જાયો હતો ત્યાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા પોલીસ કે TRB જવાનોની પૂરતી હાજરી જોવા મળી ન હતી, જ્યારે આ જ સમયગાળા દરમિયાન શહેરના છેવાડાના વિસ્તારોમાં એકસાથે ચાર-પાંચ બ્રિગેડિયર સાથે વાહનચાલકોને રોકી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોવાના વિડિયો સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસની કામગીરી સામે સૌથી મોટો સવાલ હવે “પોલીસ છે કે નહીં?” નો બની રહ્યો છે. એક તરફ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા લોકો,

બીજી તરફ ચેકિંગ પોઈન્ટ પર એકસાથે અનેક જવાનોની હાજરી આ વિરોધાભાસી પોલીસની કાર્યપદ્ધતિ અંગે નવી ચર્ચા જગાવી છે. નિયમભંગ સામે કાર્યવાહી જરૂરી છે, પરંતુ ટ્રાફિકજામ દૂર કરવો, માર્ગ સલામતી જાળવવી અને લોકોને સરળ તથા સુરક્ષિત અવરજવર આપવી પણ ટ્રાફિક શાખાની મૂળભૂત જવાબદારી છે. નાના વેપારી, નોકરીયાત, રિક્ષાચાલક, ડિલિવરી બોય કે રોજિંદા કામ માટે વાહન લઈને નીકળતા સામાન્ય માણસ માટે વારંવારનું ચેકિંગ અને દંડ માત્ર કાયદાકીય કાર્યવાહી નથી રહેતું, પરંતુ તેના સમય અને આર્થિક સ્થિતિ પર સીધી અસર કરે છે. બીજ તરફ દંડની સંખ્યા, ચેકિંગ અને કાર્યવાહીનો કોઈ પ્રકારનો ટાર્ગેટ આધારિત અભિગમ છે કે કેમ તે અંગે પણ હવે લોકોમાં ચર્ચા છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો હેતુ અકસ્માતો અને નિયમભંગ ઘટાડવાનો હોવો જોઈએ કે દંડની સંખ્યા વધારવાનો આ અંગે પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ સ્પષ્ટ હોવી જરૂરી છે.

  • ગઈકાલે સાંજે 7 કલાકે રાજકોટના
  • બહુબજાર, અમીન માર્ગ, એસ્ટ્રોન ચોક, રૈયા ટેલિફોન, એક્સચેન્જ, નાનાવતી ચોક સહિત અનેક જગ્યાઓ પર મોટો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો
  • કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે ટ્રાફિક પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા

અમને પોલીસ તંત્ર સામે નહીં, પરંતુ ટ્રાફિક પોલીસની કાર્યપદ્ધતિ સામે વાંધો છે. નિયમોનું પાલન કરાવવું જરૂરી છે, પરંતુ ટ્રાફિકજામના સ્થળે પોલીસ ગાયબ હોય અને બીજી તરફ શહેરના છેવાડાના વિસ્તારોમાં બિનજરૂરીયાત બ્રિગેડિયરોના ટીમો સાથે વાહનચેકિંગ અંગે દંડ વસૂલવામાં વ્યસ્ત હોય તે ગંભીર બાબત છે. સોશિયલ મીડિયા મારફતે દરરોજ લોકો મારો સંપર્ક કરી બ્રિગેડિયરના ત્રાસ અને વિનજરૂરી ચેકિંગ અંગે આપવીતી જણાવી રહ્યા છે અને તેના પુરાવા પણ સામે આવી રહ્યા છે. નાના-મધ્યમ વર્ગના લોકોને દંડના નામે પરેશાન કરવાને બદલે ટ્રાફિક વ્યવસ્થા અને જનજાગૃતિને પ્રાથમિકતા આપવી જોઈએ. હાલ અમે લોકો પાસેથી મળતી ફરિયાદો અને પુરાવાઓ એકત્ર કરી રહ્યા છે. જો જનતાની હેરાનગતિ બંધ નહીં થાય અને વ્યવસ્થામાં સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં તબક્કાવાર જનઆંદોલન કરવાની દિશામાં કોંગ્રેસ ચોક્કસ આગળ વધશે.