ભારતીય નાવિકોના મોત પર પીએમ મોદીના મૌન સામે આક્રોશ
- વિદેશી શક્તિ સામે દેશના સપુતોની રક્ષા કરવામાં વડાપ્રધાન નિષ્ફળ હોવાનો રાહુલ ગાંધીનો પ્રહાર
વૈશ્વિક નેતાઓ સાથે હસતા મુખે મળતા વડાપ્રધાન પાસે દેશના નાગરિકો માટે શબ્દ નથી: વિપક્ષ
આંતરરાષ્ટ્રીય દબાણ સામે નમી જતી કેન્દ્ર સરકારની સુરક્ષા નીતિ પર ઉઠ્યા ગંભીર સવાલો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
થોડા દિવસ પહેલાં અમેરિકન નેવી દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય જહાજ પર કરવામાં આવેલા ઘાતકી હુમલાની ઘટનાએ વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે. આ હુમલામાં 3 ભારતીય નાવિકોના મોતના મામલે વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૌન નીતિ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે જ્યારે કોઈ વિદેશી શક્તિ ભારતીય નાગરિકોની હત્યા કરે ત્યારે વડાપ્રધાને મૌન તોડવું જ જોઈએ. તેમણે વડાપ્રધાનને "કોમ્પ્રોમાઈઝડ પીએમ" ગણાવીને ઉમેર્યું કે તેઓ ભારતમાતાના સપુતોની રક્ષા કરવામાં સંપૂર્ણપણે અસમર્થ સાબિત થઈ રહ્યા છે.
આ સમગ્ર વિવાદ પાછળ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો ભારે તણાવ જવાબદાર છે, જ્યાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝની સામુદ્રધુની બ્લોક કરાયા બાદ અમેરિકાએ તેની આર્થિક નાકાબંધી કરવા માટે આક્રમક રીતે નૌકાદળ તૈનાત કર્યું છે. આ નાકાબંધીનો ભંગ કરવાના આરોપસર યુએસ નેવીએ ઓમાનની ખાડીમાં 3 વેપારી જહાજો પર આંધળાધૂંધ હુમલા કર્યા હતા. આ હુમલાનો ભોગ બનેલા જહાજોમાં 'એમટી સેટ્ટેબેલો' નામના ટેન્કર પર સવાર 3 નિર્દોષ ભારતીય નાવિકો આદિત્ય શર્મા, સુરેશ પટનાલા અને શિવાનંદ ચૌરાસિયાએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને લઈને દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
આગામી સપ્તાહે યોજાનારી G7 સમિટનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઘૂંટણ ટેકી દેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કટાક્ષ કર્યો કે ભારતીય નાવિકોની હત્યાના ગણતરીના દિવસોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતાઓ સાથે હસતા મુખે મળશે, આલિંગન કરશે અને કરારો પર હસ્તાક્ષર કરશે, પરંતુ મૃતક ભારતીયો માટે તેમની પાસે શોકના બે શબ્દો પણ નહીં હોય. વિપક્ષી નેતાના મતે વડાપ્રધાનમાં દેશના નાગરિકોનો જીવ લેનારી વિદેશી મહાસત્તા સામે અવાજ ઉઠાવવાની ન તો હિંમત છે કે ન તો શક્તિ, જેના કારણે આજે વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતની છબી અને સુરક્ષા નીતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થઈ રહ્યા છે.
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ભારતીય નાગરિકોની સુરક્ષા
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભારે સૈન્ય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય જળસીમાઓ હવે વેપારી જહાજો માટે અત્યંત જોખમી બની ગઈ છે. દરિયાઈ માર્ગો અસુરક્ષિત બનતા વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલા ભારતીય ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સામે મોટો ખતરો પેદા થયો છે. કેન્દ્ર સરકારે આ મામલે તુરંત હસ્તક્ષેપ કરી કડક રાજદ્વારી પગલાં લેવા પડશે જેથી ભવિષ્યમાં આવા હુમલા અટકાવી શકાય.