Loading Please Wait !!!
ભારતીય સેનાના ઇતિહાસમાં દેશની દીકરીઓએ નવો ઇતિહાસ રચ્યો

  • NDA પાસ કરનારી 14 મહિલા કેડેટ્સ કપરી ટ્રેનિંગ બાદ આર્મી અને એરફોર્સમાં ઓફિસર બની
  • પુરુષો સાથે કદમતાલ મિલાવીને 9 લેડી કેડેટ્સ થલસેનામાં સૈન્ય અધિકારી તરીકે કમિશન થઈ
  • દેહરાદૂન અને હૈદરાબાદમાં યોજાયેલી ભવ્ય પરેડમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને રાજનાથ સિંહ રહ્યા ઉપસ્થિત

સિટી ન્યુઝ @ દેહરાદૂન

ભારતીય સેના અને દેશની તમામ મહિલાઓ માટે 13 જૂન, 2026નો આ દિવસ અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક સાબિત થયો છે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની કઠિન પરીક્ષા પાસ કરનારી દેશની 14 દીકરીઓ 1 વર્ષની કપરી ટ્રેનિંગ પૂરી કરીને આજે સત્તાવાર રીતે આર્મી અને એરફોર્સમાં ઓફિસર બની ગઈ છે. દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA) અને હૈદરાબાદની ડુંડીગલ એરફોર્સ એકેડમીમાં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરેડ (POP) બાદ આ તમામ દીકરીઓ દેશની સેવામાં જોડાઈ છે. સેનાના ઇતિહાસમાં આ પ્રથમ તક છે જ્યારે મહિલા કેડેટ્સે પુરુષ કેડેટ્સની સાથે ખભેથી ખભો મિલાવીને લાસ્ટ સ્ટેપ પાર કર્યો છે.

આ ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડ દરમિયાન દેશની સુરક્ષા કાજે કુલ 746 નવા સૈન્ય અધિકારીઓ મળ્યા છે. દેહરાદૂન IMAમાંથી કુલ 515 કેડેટ્સ પાસ આઉટ થયા છે, જેમાં NDAના પહેલા મહિલા બેચની 9 મહિલા કેડેટ્સ ભારતીય થલસેનામાં સૈન્ય અધિકારી બની છે. બીજી તરફ, હૈદરાબાદ એરફોર્સ એકેડમીમાંથી કુલ 231 ફ્લાઇટ કેડેટ્સ પાસ આઉટ થયા છે, જેમાં 5 મહિલા કેડેટ્સ વાયુસેનામાં ઓફિસર તરીકે કમિશન થઈ છે. વિશેષ વાત એ છે કે, દેહરાદૂન એકેડમીમાંથી આ વખતે ભારતની વૈશ્વિક સૈન્ય તાકાત પ્રદર્શિત કરતા 16 મિત્ર દેશોના 34 વિદેશી કેડેટ્સે પણ પોતાની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી કરી છે.

અગાઉ મહિલાઓ માટે NDAના દરવાજા બંધ હતા, પરંતુ જૂન 2022માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક આદેશ આપ્યો હતો. જેના પછી ઓગસ્ટ 2022માં મહિલા કેડેટ્સની પ્રથમ બેચે NDAમાં પ્રવેશ મેળવ્યો હતો. 3 વર્ષની આકરી મહેનત બાદ મે 2025માં 18 મહિલા કેડેટ્સ ગ્રેજ્યુએટ થઈ હતી, જેમાંથી આ દીકરીઓએ આકરી ટ્રેનિંગ બાદ સફળતા મેળવી છે. આ ભવ્ય પ્રસંગે દેહરાદૂનમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને હૈદરાબાદમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેડેટ્સને સંબોધિત કરતા આ ક્ષણને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ગણાવીને તેને ભારતની નારીશક્તિનો નવો સૂર્યોદય ગણાવ્યો હતો.

શાનદાર પ્રદર્શન કરનારા જાંબાઝ ઓફિસર કેડેટ્સ મેડલથી સન્માનિત

પરેડ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કેડેટ્સને ખાસ એવોર્ડ એનાયત કરાયા હતા. ઓફિસર કેડેટ વિશાલ કુમારને પ્રતિષ્ઠિત 'સ્વૉર્ડ ઓફ ઓનર' અને ગોલ્ડ મેડલ મળ્યો હતો. પ્રિન્સ રાજને સિલ્વર, તેજસ ભટ્ટને બ્રોન્ઝ અને ઋષભ મિશ્રાને સિલ્વર મેડલ મળ્યો હતો. સંજય સિંહને 'ચીફ ઓફ આર્મી સ્ટાફ બેનર' અને બાંગ્લાદેશના જેફ સદી અલ્વીને 'બેસ્ટ ઓફિસર કેડેટ'નો એવોર્ડ મળ્યો હતો.