Loading Please Wait !!!
રાજકોટમાં 8 મહિનામાં 2,374 ઇમારતોને ફાયર નોટિસ!

  • 64 સ્થળોની NOC પૂરી છતાં રીન્યુમાં આળસ!
  • જનરલ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નથી સુરક્ષાની પોલ ખુલી!
  • 255 સ્થળોને સર્ટિફિકેટ, 62 ની NOC એક્સપાયર!

    સિટી ન્યુઝ @ રાજકોટ 

    રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં છેલ્લા 8 મહિના દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ 2,374 ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 64 સ્થળોની ફાયર NOC પૂરી થઈ હોવા છતાં રીન્યુ કરાવવામાં આળસ દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

    મહાપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં. 17 ના નગરસેવક કૌશિક ટાંકે એપ્રિલ મહિનાથી અત્યાર સુધીની ફાયર સેફ્ટી કામગીરી અંગે સત્તાવાર વિગતો માંગતા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગે આંકડા રજૂ કર્યા હતા, જેમાં 50 થી વધુ લોકો એકત્ર થતા હોય તેવી ઇમારતોમાંથી 8 મહિનામાં માત્ર 255 સ્થળોને સર્ટિફિકેટ મળ્યા અને 62 ની NOC એક્સપાયર થઈ હોવાનું જણાવાયું છે.

    વિભાગીય નોટિસના આંકડા મુજબ અસેમ્બલી બિલ્ડિંગમાં 544, કોમર્શિયલ 519, કોમર્શિયલ અને રેસીડેન્સીયલ 494, શૈક્ષણિક સંસ્થાઓ 399, રહેણાંક 348, ધાર્મિક સ્થળો 77, હોસ્પિટલ 44, સ્ટોરેજ 15 અને જોખમી સામગ્રી ધરાવતા 4 સ્થળોનો સમાવેશ થાય છે.

    શાળા-કોલેજો, હોસ્પિટલો અને કોમર્શિયલ સંકુલોમાં ફાયર સેફ્ટીના છીંડા સામે આવતા નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

    બીજી તરફ મર્યાદિત સ્ટાફના કારણે ફાયર વિભાગ માટે શહેરની દરેક ઇમારત સુધી પહોંચવું અને નિયમિત તપાસ કરવી પડકારજનક બની રહી હોવાથી કડક કાર્યવાહીમાં વિલંબ જોવા મળી રહ્યો છે.

    ફાયર સેફ્ટી પાલન, NOC નવીનીકરણ અને સ્ટાફ ક્ષમતા

    જાહેર ઉપયોગ, રહેણાંક, શૈક્ષણિક અને તબીબી ઇમારતોમાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થા અને સમયસર NOC નવીનીકરણ નાગરિક સલામતી માટે અનિવાર્ય છે. મર્યાદિત સ્ટાફ અને નિયમિત દેખરેખ વચ્ચે સંકલન સાધીને નિયમોનો કડક અમલ કરાવવો એ શહેરની સુરક્ષા માટે મહત્વપૂર્ણ બને છે.