નીતિન ગડકરીએ વધતા વાયુ પ્રદૂષણની જવાબદારી સ્વીકારી!
- રસ્તાઓના વિકાસથી વાહનો વધ્યા હોવાનોર દાવો કર્યો!
- પેટ્રોલ-ડીઝલના વિકલ્પરૂપે સ્વચ્છ ઈંધણ અપનાવવાની હિમાયત!
- ઓટોમોબાઈલ ઉદ્યોગ વધીને બાવીસ લાખ કરોડ રૂપિયા થયો!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ બાબતે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપતા આશરે ચાલીસ ટકા પ્રદૂષણ માટે ખુદને જવાબદાર ગણાવ્યા છે અને જણાવ્યું છે કે રસ્તાઓના વિકાસ સાથે વાહનોની સંખ્યા વધવાથી પ્રદૂષણમાં વધારો થયો છે.
દિલ્હીમાં યોજાયેલી સીઆઈઆઈ બાયોએનર્જી સમિટમાં બોલતા તેમણે પેટ્રોલ અને ડીઝલના વિકલ્પરૂપે સ્વચ્છ ઈંધણ અપનાવવાની સખત જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દેશનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વધીને ૨૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે.
પ્રદૂષણ નિયંત્રણ અને ખેડૂતોની આવક વધારવા માટે ગોબરધન યોજના હેઠળ આશરે ૩ હજાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ચાલી રહી છે, તેમજ પરાળી બાળવાને બદલે તેમાંથી બાયોએનર્જી બનાવવાની પહેલ શરૂ કરાઈ છે.
ભવિષ્યના મહત્વપૂર્ણ ઈંધણ તરીકે ઈથેનોલ, હાઈડ્રોજન, બાયોફ્યુઅલ અને આઈસોબ્યુટેનોલને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જેનાથી વિમાનો માટે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ તેમજ ટ્રેક્ટર અને જનરેટર ચલાવવાની ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.
સરકારની ઊર્જા નીતિનો મુખ્ય હેતુ વિદેશી ઈંધણની આયાત ઘટાડવાનો અને ઊર્જા સસ્તી બનાવવાનો છે, જેના ભાગરૂપે એલપીજીમાં ૪૦ ટકા ડીએમઈ ભેળવવાની શક્યતાઓ પણ તપાસાઈ રહી છે જેથી દેશ આત્મનિર્ભર બની શકે.
સ્વચ્છ ઈંધણ અને પર્યાવરણીય સ્થિરતા
દેશના આર્થિક વિકાસ સાથે પર્યાવરણની રક્ષા કરવી એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને બાયોએનર્જી અને હરિત ઊર્જા તરફ આગળ વધવું પ્રદૂષણ મુક્ત ભવિષ્ય માટે અનિવાર્ય છે.