Loading Please Wait !!!
હત્યાના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપીને જેલહવાલે: છોટાઉદેપુર કોર્ટે રામસિંગ રાઠવાની જામીન અરજી ફગાવી

 

 

  • લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારનાર શખ્સની 2026માં થઈ હતી ધરપકડ; ગંભીર ગુનો હોવાનું કોર્ટનું અવલોકન

  •  ન્યાયાધીશ જી.જે.થોરિયાએ જામીન અરજી ફગાવી; ભાગી જવાની શક્યતા વધુ હોવાથી રાહત ન મળી

  • 2019માં યુવકની લાકડીના ફટકા મારી હત્યા કરી હતી, ન્યાયથી બચવા ભાગી જવાની શક્યતા જોતા કોર્ટનો કડક નિર્ણય

 છોટાઉદેપુર જિલ્લાના જમલા ગામમાં વર્ષ 2019માં થયેલી એક યુવકની હત્યાના કેસમાં લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ પકડાયેલા 63 વર્ષીય આરોપી રામસિંગ દહરિયા રાઠવાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. ન્યાયાધીશ જી.જે.થોરિયાએ ગુનાની ગંભીરતા અને આરોપીની ભાગી જવાની ફિતરતને ધ્યાને રાખીને આ મહત્વનો ફેસલો સંભળાવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, 19 માર્ચ 2019ના રોજ રામસિંગ રાઠવાએ ફરિયાદીના પુત્રને લાકડીના આડેધડ ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ઘટના બાદ આરોપી પોલીસની પકડમાંથી બચવા માટે નાસતો-ફરતો હતો. હત્યાના લાંબા સમય બાદ આખરે 11 જાન્યુઆરી 2026ના રોજ પોલીસ તેને ઝડપી લેવામાં સફળ રહી હતી.

આરોપીએ વૃદ્ધાવસ્થા અને અન્ય કારણોસર જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલ દ્વારા તેની સામે કડક દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે અવલોકન કર્યું કે, જ્યારે ગુનો હત્યા જેવો ગંભીર હોય ત્યારે આરોપી ન્યાયથી બચવા માટે ફરીથી ભાગી જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ સંજોગોમાં આરોપીને મુક્ત કરવો ન્યાયના હિતમાં ન હોવાનું જણાવી કોર્ટે રામસિંગ રાઠવાની જામીન અરજી નામંજૂર કરી તેને જેલ હવાલે રાખવાનો આદેશ કર્યો છે.