21 નવેમ્બરથી વેડીંગ સીઝન, મુંબઈ-MMR માં મોટો કારોબાર!
- 25 દિવસમાં 1.20 લાખ કરોડની વેડીંગ ઈકોનોમીનો અંદાજ!
- જવેલરી, હોટલ, બેન્કવેટ અને કેટરીંગ સેક્ટરને ફાયદો!
- લગ્ન માત્ર ઉત્સવ નહીં, અર્થતંત્રનું મોટું એન્જિન: કેટ!
સિટી ન્યુઝ @ મુંબઈ
21 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ચાલનારી વેડીંગ સીઝન દરમિયાન માત્ર 25 દિવસમાં મુંબઈ એમએમઆરમાં લગભગ 1.20 લાખ કરોડ રૂપિયાની વેડીંગ ઈકોનોમી બનવાની સંભાવના કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ CAIT દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ વેડીંગ ઈકોનોમીનો લાભ જવેલરી, હોટલ, બેન્કવેટ હોલ અને કેટરીંગ સહિતના અનેક ક્ષેત્રોને મળવાની શક્યતા છે, જ્યારે CAIT ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું છે કે લગ્ન માત્ર ઉત્સવ નથી પરંતુ અર્થવ્યવસ્થાનું મોટું એન્જિન છે.
CMAI ના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે ભારતીય એપેરેલ ઈન્ડસ્ટ્રીમાં કિંમતોના દબાણ વચ્ચે તહેવારોની મોસમની મિશ્ર અસર જોવા મળી છે, પરંતુ આવનારા લગ્નગાળાથી બજારમાં માંગ વધવાની અપેક્ષા છે.
તેમના જણાવ્યા મુજબ 45 ટકા ટેક્સટાઈલ મેન્યુફેક્ચરર અને રિટેલ વિક્રેતાઓને આગામી લગ્નની સીઝનમાં બહેતર વેચાણ રહેવાની આશા છે.
લગ્નગાળાના ખર્ચ અને બજારની માંગને કારણે સ્થાનિક વેપાર, સેવા ક્ષેત્ર અને ઉત્પાદન એકમોની કામગીરીમાં તેજી આવવાની સંભાવના જોવા મળી રહી છે.
લગ્નગાળાની માંગ, સ્થાનિક બજાર અને આર્થિક ગતિવિધિ
લગ્નની મોસમ દરમિયાન જવેલરી, વસ્ત્રો, આતિથ્ય અને ઇવેન્ટ સેવાઓમાં ખર્ચ વધવાથી સ્થાનિક બજારોમાં નાણાકીય પ્રવાહ અને વેપાર ગતિવિધિને વેગ મળે છે. ઉદ્યોગ સંગઠનોના અંદાજ અને બજારની તૈયારીઓ આગામી સીઝનની આર્થિક અસરને દર્શાવે છે.