ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત: 48 PSI ની ગાંધીનગર IB માં એન્ટ્રી!
- સવારે 41 IAS-GAS અધિકારીઓની સાગમટે બદલી બાદ મોડી સાંજે પોલીસ બેડામાં મોટો ફેરફાર.
- જૂનાગઢ મનપા કમિશનરની બે મહિનામાં હકાલપટ્ટી, 5 જિલ્લાના DDO સહિત નિગમોના વડા બદલાયા.
- રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનની તપાસ કમિટીના અધ્યક્ષ કેતન જોશીની પણ બદલી થતા તપાસ રઝળશે.
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા સવારે 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા બાદ મોડી સાંજે પોલીસ વિભાગમાં પણ મોટો ફેરફાર કરાયો છે. અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 48 PSI (પોલીસ સબ ઈન્સપેક્ટર) ની સાગમટે ગાંધીનગર IB (ઈન્ટેલિજન્સ બ્યુરો) માં બદલી કરવામાં આવી છે. રાજ્યના વહીવટી તંત્રને વધુ સુગઠિત અને કાર્યક્ષમ બનાવવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની છે, જેમની 2 મહિનામાં જ બદલી કરી દેવામાં આવી છે. પ્રભવ જોશીએ પદભાર સંભાળતા જ અધિકારીઓ અને કર્મચારીઓ સામે અત્યંત કડક વલણ અપનાવીને તંત્રને દોડતું કર્યું હતું. હવે તેમને GIDC ના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે તેમની જગ્યાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આઈ. આર. વાળાને નિયુક્ત કરાયા છે.
આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગમાં સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મ્યુનિસિપલ કમિશનર અને સ્મિત સંતોષ લોઢાને સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. રાજ્યના 5 જિલ્લાઓમાં નવા જિલ્લા વિકાસ અધિકારી (DDO) નિમાયા છે. જેમાં એચ. જે. પ્રજાપતિને અમરેલી, કે. પી. જોશીને દેવભૂમિ દ્વારકા, ડી. કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગર, હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદ અને કે. એસ. ઝાલાને ડાંગ-આહવા DDO તરીકે જવાબદારી સોંપાઈ છે.
બદલીઓના આ ઘાણવાના કારણે રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનની તપાસમાં પણ મોટો વિક્ષેપ પડી શકે તેમ છે. અગાઉ ચેતન નંદાણી પાસેથી તપાસ આંચકીને જેમને અધ્યક્ષ બનાવાયા હતા તે PGVCL ના MD કેતન જોશીની દેવભૂમિ દ્વારકા DDO તરીકે બદલી થઈ ગઈ છે. આ સાથે નિગમોમાં એમ. પી. પંડ્યા, બી. કે. જોશી, સી. બી. ગણાત્રા અને પી. બી. રાઠોડને વિવિધ વિભાગોના મેનેજિંગ ડિરેક્ટર તેમજ નિયામક તરીકેની નવી જવાબદારીઓ સુપરત કરવામાં આવી છે.
IAS અને પોલીસ વિભાગની સાથે 13 GAS કેડરના અધિકારીઓને પણ નવી પોસ્ટિંગ અપાઈ છે. વી. કે. પટેલને GIDC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડી. એન. સાતાણીને ગાંધીનગર સિવિલ સપ્લાય્સના જોઈન્ટ ડિરેક્ટર અને જી. વી. મિયાણીને પંચાયત સેવા પસંદગી બોર્ડના સેક્રેટરી બનાવાયા છે. આ સાથે વાય. એસ. ચૌધરી, એ. કે. કલસારિયા, એમ. આર. પ્રજાપતિ, ડી. એમ. ગોહિલ સહિતના વરિષ્ઠ અધિકારીઓને પણ અલગ અલગ વિભાગોમાં અને જિલ્લાઓમાં મહત્વપૂર્ણ પદભાર સોંપવામાં આવ્યો છે.
ગુજરાતના વહીવટી અને પોલીસ તંત્રમાં મોટા ફેરફાર
રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં એકસાથે બદલીઓનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે. એક જ દિવસમાં 28 IAS, 13 GAS અને 48 PSI ની બદલી થતા સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ખાસ કરીને જૂનાગઢ મનપા કમિશનરની 2 મહિનામાં થયેલી બદલી અને રાજકોટ ડિમોલિશન તપાસ કમિટીના અધ્યક્ષની ટ્રાન્સફર થવાથી અનેક નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.